સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં જળબંબાકાર, ફસાયેલા લોકોને બચાવવા એર ફોર્સની મદદ લેવી પડી
ગઈકાલથી આજે બપોર સુધીમાં કુલ 17 ઇંચ જેટલો વરસાદ જામનગરના કાલાવાડમાં પડ્યો છે.
જામનગર: કાલાવડમાં આજ સવારથી બપોરના 12 વાગ્યા સુધી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે કાલાવડ તાલુકાના બાંગા ગામે એરફોર્સ ના હેલિકોપ્ટર દ્વારા લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. વધુ પડતાં વરસાદ અને પાણીમાં ફસાયેલ લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવ્યા.
ગઈકાલથી આજે બપોર સુધીમાં કુલ 17 ઇંચ જેટલો વરસાદ જામનગરના કાલાવાડમાં પડ્યો છે. મુશળધાર વરસાદથી કાલાવડમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. ઠેર ઠેર નદી નાળા અને જળાશયો ઓવરફલો થયા છે.
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 102 તાલુકામાં વરસાદની પધરામણી થઈ હતી. રાજકોટના ધોરાજીમાં 5.6 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 5.1 ઈંચ, રાજકોટમાં 3.5, અમદાવાદના ધોલેરામાં 3 ઈંચ અને વલસાડના કપરાડામાં અઢી ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજકોટમાં વરસાદ
રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે આજી-2 ડેમમાં નવા નીર આવ્યા હતાં. ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ આજી નદી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીકથી જોરદાર પાણી વહી રહ્યા છે. આજી-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાતા નીચાણવાળા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા પ્રશાસને ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે.
જૂનાગઢમાં વરસાદ
જૂનાગઢના માંગરોળ પંથકમાં ગત રાત્રીથી વરસાદ શરૂ થયો છે. માંગરોળના ફુલરામા અને ઘેડ પંથકના ગામોમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. સવાર સુધીમાં તો માંગરોળનો ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે.