રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે.
ગાંધીનગર: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
સાબરકાંઠા જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈ રસ્તા પર પાણી વહેતા થયા છે. શહેરના ટાવર ચોક, મહાવીરનગર, ગોકુલનગર, મોતીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રસ્તા પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને રાહદારીનો હાલાકી પડી છે. હિંમતનગર પાસેના હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર, પરબડા સહિતના ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં આજે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તલોદ શહેર અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
ક્યાં છે અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.