કોરોના મુદ્દે રૂપાણી સરકારને હાઈકોર્ટે શું કર્યું મોટું ફરમાન ? 19 એપ્રિલ સુધીમાં શું કરવું પડશે ?
રાજ્યમાં કોરોનાની ભયંકર સ્થિતિ છે. દૈનિક કોરોનાના નવા કેસ 7 હજારને પાર થઇ ગયા છે. તો ડેથ રેટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને કેટલાક દિશા નિર્દેશ કર્યાં છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં આજની સુનાવણીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠ સમક્ષ રેમડિસિવિર ઇન્જેક્શની અછત મુદ્દે ફરી ચર્ચા થઇ હતી.
કોરોનાની સ્થિતને જોતા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોનાના કેસ અને ડેથ સાચા આંકડા જાહેર કરવા માટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરે અને સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવે...
હાઇકોર્ટે કહ્યું કે, સરકારને એક વેબ પોર્ટલ બનાવવાના પણ નિર્દેશ કર્યાં છે. કોર્ટે કહ્યું કે,હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ સાચી માહિતી મળી રહે તેવું વેબ પોર્ટલ રાજ્ય સરકાર બનાવે.
હાઇકોર્ટે ટકોર કરી હતી કે,900 રૂપિયામાં મળતું ઇન્જેક્શન રેમડિસિવિર ઇન્જેક્શન જો 14થી 15 હજાર રૂપિયમાં મળી રહ્યું હોય તો ફાયદો કોણ કરી લઇ રહ્યું છે? ઓક્સિજનના કાળાબજાર થઇ રહ્યા છે. અમુક હોસ્પિટલો પાસે ઓક્સિજન બેડ ખાલી હોવા છતાં તેઓ ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને દાખલ કરતા નથી અને આ ઓક્સિજનને વધારે ભાવે વેચાય છે. આમ આ લોકો વિકટ પરિસ્થિતિમાં પણ પૈસા કમાઇ રહ્યા છે. આ મામલે કોર્ટમાં ટકોર કરાઇ હતી કે, વિકટ પરિસ્થિતિમાં કાળાબજાર કરતા લોકોએ તેમના અંતરઆત્માનો અવાજ સાંભળવો જોઇએ.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં આજની સુનાવણીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠ સમક્ષ રેમડિસિવિર ઇન્જેક્શની અછત મુદ્દે ફરી ચર્ચા થઇ હતી. ઓક્સિજન અને રેમડેસિવિર મામલે હાઇકોર્ટે સરકારને આદેશ આપતા કહ્યું કે, ઓક્સિજન અને રેમડેસિવિરનો પર્યાપ્ત જથ્થો 20 એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા સરકાર કરવા કોર્ટે સરકારને આદેશ કર્યાં છે. આ મામલે હવે 20 એપ્રિલે સુનાવણી થશે.