Gujarat: લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા ભાજપના આ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ગાંધીનગર : ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઇડર ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત બે મંત્રીઓને આ પત્ર લખ્યો છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને બાનુબેન બાબરીયાને પત્ર લખવામાં આવ્યો છે. લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લગ્ન નોંધાણીમાં વાલીની સહી ફરજિયાત કરવા માટેની માગણી કરવામાં આવી છે. એબીપી અસ્મિતાએ લગ્ન નોંધણીના મુદ્દે અહેવાલ પ્રસારિત કર્યો હતો.જેમાં બનાસકાંઠા જિલ્લામાં લગ્ન નોંધણી કરવામાં આવતી હતી. લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજીયાત કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી છે.
ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો તેમાં જણાવ્યું છે કે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના એક્ટમાં સુધારો કરવામાં આવે.
આ પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, ઘણા સમયથી ખોટા લગ્ન નોંધણી અંગે ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે. લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે. એમાં જ્યારે ગેરરીતી કે અન્યાય થતો હોય ત્યારે દિકરી અને પરિવારો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ - 2006 કાયદામાં કેટલાલ સંબંધિત સુધારાઓ લાવી આવા પરિવારોને ન્યાય અપાવવા માટે આપશ્રીને વિનંતી છે. આ અંગે નીચે મુજબના સુધારા કરવા જરુરી જણાય છે.
(1)લગ્ન નોંધણી કરાવવાનું સ્થળ જે તે વિસ્તારથી ગ્રામ કે શહેરની દિકરી હોય તે સ્થળે લગ્ન નોંધણીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરવું.
(2) આ અંગેના દસ્તાવેજો રજૂ કરેલા હોય તેનું વેરીફીકેશન જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરાવવું જોઈએ.
(3) લગ્ન નોંધણી ગ્રામ કે શહેર કક્ષાએ પ્રમાણપત્ર ઈસ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે તેમાં ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત અધિકારીક્ષીને સોંપવી જોઈએ.
(4) લગ્ન નોંધણી રજીસ્ટરમાં વાલીની સહી ફરજીયાત કરવામાં આવે.
ઉપરોક્ત મુજબનો સુધારો કરવામાં આવશે તો દીકરીઓના પરિવારોને જે હાલાકીનો સામનો કરવો પડે છે તેમાં તેઓને મોટી રાહત મળશે. આથી મારી વિનંતી છે કે આ અંગે ઝડપથી સુધારા કરવા ઘટતી કાર્યવાહી કરશો તેવી વિનંતી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial