‘હું તો બોલીશ’ કાર્યક્રમની અસર, રાજ્યભરના 800 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા, દશેરા સુધી સ્પેશિયલ ડ્રાઇવ
રાજ્યના સ્પામાં ચાલતા ગોરખધંધાનો મુદ્દો abp અસ્મિતા પર હું તો બોલીશ સ્પેશિયલ કાર્યક્રમ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અસર રાજ્યભરમાં જોવા મળી છે.
અમદાવાદ:રાજ્યમાં સ્પા પર ચાલતા ગોરખધંધાને લઇને વિવિધ શહેરમાં પોલીસે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટ-શહેરમાં વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા પડ્યાં છે. 50થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. સ્પામાં નાગાલેન્ડ,અમદાવાદ,દિલ્હી,મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપીસ્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે સ્પા સંચાલકો દ્રારા રજીસ્ટ્રેશન નહિ કરાવતા કાર્યવાહી હાથ ધરાઇ છે.
બિગ બજાર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પર્પલ સ્પા,યુનિવર્સીટી રોડ પર આવેલા એન્જોય સ્પા,મવડી રોડ આવેલા પ્લસ સ્પા, અક્ષરમાર્ગ પર આવેલા બુધા ઇન્ટરનેશનલ સ્પા, રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલા ગ્લેમર સ્પા, નિર્મલા રોડ પર આવેલા પ્રિન્સ વેલનેસ સ્પા, ઇન્દિરા સર્કલ પાસે આવેલા આત્મીજ એન્ડ વેલનેસ સ્પા,એસ.એન. કે પાસે શકુંતલા સોસાયટી પાસે આવેલા મિન્ટ વેલનેસ સ્પા વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો. આ મોટાભાગના સ્પામા ગોરખધંધા ચાલતા હોવાની હકીકત સામે આવી છે.
સુરત શહેરના સ્પામાં પણ પોલીસના દરોડા પડ્યાં છે. સુરતમાં એક જ દિવસમાં 50 કેસ સાથે 35ની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં કુલ 21 સ્થળો પર 10 ટીમનું ચેકિંગ કરવામાં આવ્યુ છે.અમદાવાદના સ્પામાં પણ પોલીસની રેડ પડી છે. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 25 સ્પામાં ચેકિંગ હાથ ધરવામા આવ્યું છે. સ્પામાં ચાલતા વ્યાભિચારને રોકવા સૂચના અપાઇ છે. ઉપરાંત રેડ દરમિયાન માહિતી સામે આવી છે કે, અનેક ઠેકાણે નોંધણી વગરના સ્પા ચાલતા હોવાની હકીકત પણ સામે આવી છે. કેટલાક ઠેકાણે સ્પામાં દેહવ્યાપર ચાલતો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.
મોરબીમાં પણ સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક અફીમ સ્પામાં પોલીસના દરોડા પાડ્યા છે અહીં મોરબીમાં અફીમ સ્પામાંથી કોન્ડોમના પેકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેશ મેવા નામનો શખ્સ ગોરખધંધા ચલાવતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
છેલ્લા 48 કલાકથી રાજ્યમાં પોલીસના સામૂહિક દરોડા પડ્યાં છે. ભાવનગરમાં વાઘાવાડી રોડ પર સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભરુચના અંકલેશ્વરમાં સ્પામાં પણ ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ દરોડા શરૂ થયા છે.