છેલ્લા બે કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર, સુરતના કામરેજમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે.
ગાંધીનગર: રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી એટલે કે છેલ્લા બે કલાકમાં રાજ્યના 16 તાલુકામાં વરસાદ પડ્યો છે. સરકારે બહાર પાડેલા આંકડા અનુસાર છેલ્લા બે કલાકમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ સિવાય સુરત શહેરમાં અડધો ઈંચ, સુરતના ઓલપાડમાં 17 મીમી, સુરતના ચોર્યાશીમાં 14 મીમી, તાપીના ઉચ્છલમાં 7 મીમી વરસાદ પડ્યો છે.
આ સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો 197 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 6.4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના કેશોદમાં 5 ઈંચ, જૂનાગઢ, વંથલીમાં 4 ઈંચ, જૂનાગઢના માળિયામાં 3.8 ઇંચ, રાજકોટના જામકંડોરણા અને જામનગરના જામજોધપુર માં 3.5 ઇંચ અને સુરતના મહુવામાં અને છોટા ઉદેપુરમાં 2.9 ઇંચ વરસાદ પડ્યો છે.
વરસાદ આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં આજે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના પંથકમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગને અનુમાન છે.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદની ઘટ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારમાં 22 ટકા વરસાદની ઘટ છે.
રાજ્યમાં 20 એનડીઆરેફની ટીમ તૈનાત
ગુજરાતમાં વરસાદ ને પગલે એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માં 15 ટીમો કામગીરી કરી રહી છે. ગાંધીનગર અને વડોદરામાં 1-1 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સફળતાપૂર્વક સ્થળાંતર ની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાતની 15 ટીમો ઉપરાંત એનડીઆરએફની વધુ પાંચ ટીમો પંજાબ અને અન્ય વિસ્તારોમાંથી ગુજરાત આવી ચૂકી છે. જે પાંચ ટીમો ને રાજકોટ, પોરબંદર અને અન્ય વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી ને પગલે એનડીઆરએફ તમામ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હોવાની વિગતો એનડીઆરએફ ના ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારા આપવામાં આવી હતી.