(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી વિશે
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સિસ્ટમ સક્રીય નથી. જેથી ભારે વરસાદની રાજ્યમાં કોઇ સંભાવના નથી. પરંતુ તેમ છતા રાજ્યના અનેત જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.
વરસાદ અંગે રાજ્યમાં કોઇ એલર્ટ નથી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, વરસાદ અંગે રાજ્યમાં કોઇ એલર્ટ નથી. ગુજરાતમાં ઘણા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ તાપીમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના છે.
ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે
સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. સિસ્ટમ સક્રીય ન હોવાના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી. રવિવારે જે વરસાદ વરસ્યો તેવો ભારે વરસાદ હવે નહી વરસે. હવામાન વિભાગે કહ્યું, કાલથી હવામાન સુકુ રહેવાની શક્યતા છે. વરસાદની કોઇ શક્યતા નથી. વરસાદની સિસ્ટમ મૂવ થવાને કારણે હાલ વરસાદની કોઇ આગાહી નથી. હવામાન વિભાગે ઠંડી અંગે કહ્યું, રાજ્યના લધુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધી ઘટાડો થશે.
તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રવિવારે રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવાર પડેલા કમોસમી વરસાદે ખેડૂતોનો પાક બરબાદ કરી નાખ્યો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial