જૂનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થતા પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓએ શ્રીફળ વધેરી ભગવાનનો માન્યો આભાર
જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે.
ગાંધીનગર: જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા. પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓએ શ્રીફળ વધેરી ભગવાનનો આભાર માન્યો હતો.
પેપર સરળ હોવાના કારણે ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ જણાવ્યું કે, પેપરમાં હિસ્ટ્રી અને કૃતિઓના સવાલ પૂછાયા હતા તેમજ પેપર સરળ હતું. પેપર સરળ હોવાના કારણે ઉમેદવારોને સમય ઓછો પડ્યો હતો.
રાજકોટ પોલીસે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. રાજકોટમાં એક નામની બે કોલેજ હોવાથી અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કોલેજે પહોંચ્યા હતા. એક જ નામની બે કોલેજ હોવાથી પરીક્ષાર્થીઓને મુશ્કેલી પડી હતી. ઉમેદવારો સાધુ વાસવાણી રોડ પર પહોંચવાને બદલે અન્ય સેન્ટર પર પહોચી ગયા હતા. જેથી રાજકોટ પોલીસે આ તમામ ઉમેદવારોને પોલીસની પીસીઆર વાનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા.
પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ હસતા હસતા પરીક્ષા સેન્ટર પરથી બહાર આવ્યા હતા. તેમના ચહેરા પર રાહતનો શ્વાસ દેખાઈ રહ્યો હતો. બીજી તરફ તંત્રએ વિધ્ન વગર પરીક્ષા પૂરી થતા તેમની મહેનત ફળી તેવુ જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓએ બહાર આવ્યા બાદ જણાવ્યુ હતું કે પેપર થોડું લાંબુ હતું, પણ સારુ રહ્યું હતું.
વિદ્યાર્થીઓએ આ પરીક્ષા અંગે સરકારની વ્યવસ્થાના પણ વખાણ કર્યા હતા. જોકે પરીક્ષામાં પેપર થોડુંક અઘરું અને સમય ઓછો પડ્યો હોવાનું મોટાભાગના પરીક્ષાર્થીઓનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષા દરમિયાન હસમુખ પટેલે વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈ સતત મોનીટરીંગ પણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પરીક્ષા અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ કે અડચણ નહીં ઉભી થયા હોવાનું આઇપીએસ હસમુખ પટેલે જણાવ્યું છે.
આ પરીક્ષામાં પેપર લીક કે કોઈપણ અન્ય ઘટના સામે આવી નથી. આ પરીક્ષાનું સમગ્ર આયોજન આઈપીએસ હસમુખ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે પરીક્ષાર્થીઓએ હસમુખ પટેલની કામગીરીને પણ વખાણી હતી.
વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓની કારને અકસ્માત નડ્યો. સદનસીબે કોઇ જાનહાનિ નથી થઈ. બ્રેક ફેઇલ થઇ જતાં અક્સમાત સર્જાયો હતો.
આહવાના વઘઇ શિવઘાટના વળાંકમાં બ્રેક ફેલ થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને અકસ્માત નડ્યો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી. પરીક્ષાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવામાં આવ્યા હતા. બ્રેક ફેઇલ થઇ જતાં કાર રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી.