(Source: Poll of Polls)
ખોડલધામના નરેશ પટેલ ભાજપમાં જોડાવાની તૈયારીમાં?, જાણો તેમના પરિવારે શું કહ્યું...
છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે એ નરેશ પટેલને લઈને હવે નવો ધડાકો થયો છે. એક અહેવાલ પ્રમાણે ખોડલધામના નરેશ પટેલ ભાજપમાં જોડાશે.
છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે એ નરેશ પટેલને લઈને હવે નવો ધડાકો થયો છે. એક અહેવાલ પ્રમાણે ખોડલધામના નરેશ પટેલ ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય ઈનિંગની શરુઆત કરી શકે છે. આ વિષય પર મળતા અહેવાલો મુજબ છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં આવવાની વાત કરી રહ્યા છે ત્યારે આવતા અઠવાડિયા સુધીમાં નરેશ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસો પહેલાં નરેશ પટેલ આ અંગે દિલ્લી ખાતે પણ મુલાકાત કરી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલોના આગેવાન નરેશ પેટલને પોતાના પક્ષમાં કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મથી રહી છે. ત્યારે હવે મળતા અહેવાલો મુજબ ભારતીય જનતા પાર્ટી નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવામાં સફળ થઈ છે. અકિલા ન્યુઝના એક અહેવાલ પ્રમાણે આવતા અઠવાડિયાના મંગળ કે બુધવાર સુધીમાં નરેશ પટેલ અને તેમની ટીમ ભાજપમાં વિધીવત રીતે જોડાઈ જવાની પુરી શક્યતાઓ છે. બે દિવસ પહેલાં જ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, "કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાવા માટે સ્વતંત્ર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો ભલે ચાલી રહી હોય પણ આવો કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી."
નરેશ પટેલ ભાજપમાં જોડાશે એવા અકિલાના અહેવાલથી આવેલા રાજકીય ગરમાવા વચ્ચે જ્યારે નરેશ પટેલના પરિવારને પુછવામાં આવ્યું ત્યારે નરેશ પટેલના પરિવારે આ અહેવાલને રદીયો આપ્યો હતો અને કહ્યું કે, "અહેવાલ ખોટા છે." ત્યારે હવે જોવાનું એ છે કે, આવતા અઠવાડિયામાં નરેશ પટેલ ભાજપમાં જોડાય છે કે પછી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને પોતાની રાજકીય કારકિર્દી શરુ કરવા માટે યોગ્ય ગણે છે.