Banaskanath: બનાસ નદી બે કાંઠે થતાં સ્થાનિકો અને ખેડૂત આલમમાં ખુશી, કાંકરેજ પંથકમાં ભાજપ આગેવાનોએ કર્યા નદીના વધામણા
બનાસ નદીનું પાણી કાંકરેજ પંથકમાં પહોંચતા ભાજપ આગેવાનો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. ભાજપ જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા દ્વારા ફુલ અર્પણ કરી બનાસ નદીના વધામણા કર્યા હતા.
Banaskantha News: બનાસકાંઠાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. દિવસેને દિવસે અહીં પાણીના તળ નીચે જઈ રહ્યા હતા. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં બારે વરસાદ થયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં સારી આવક થઈ છે અને ડેમમાંથી પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
બનાસ નદીનું પાણી કાંકરેજ પંથકમાં પહોંચતા ભાજપ આગેવાનો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. ભાજપ જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ફુલ અર્પણ કરી બનાસ નદીના વધામણા કર્યા હતા. સતત ઘટતા ભૂગર્ભજળથી ચિંતિત ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. બનાસ નદી બે કાંઠે થતાં સ્થાનિકો અને ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છે.
બનાસ નદીનું પાણી કાંકરેજ પંથકમા પહોંચતાની સાથે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. શિહોરી -પાટણ રોડ ઉપર બનાસબ્રિજના ઉપર આવેલ ડાયવર્ઝન વાળો રસ્તો પાણીના પ્રવાહ સાથે ધોવાયો છે. બનાસબ્રિજ ઉપર બ્રિજનું કામ અધૂરું હોઈ નદીમાંથી ડાયવર્ઝન રસ્તો અપાયો હતો. ડાયવર્ઝન રસ્તા ઉપર નદીના પાણી ફરી વળતાં માર્ગ ધોવાયો હતો. જો કે માર્ગ ધોવાયો તે સમયે માર્ગ બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી. શિહોરી -પાટણ રોડની બંને બાજુ લોકોની અવરજવર બંધ કરી પોલીસ પોઇન્ટ ગોઠવાયા છે અને નદીના વહેણ નજીક રહેતા લોકોને એલર્ટ રહેવા તંત્રની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટશે. IMD દ્વારા આજે જાહેર કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 43 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે છે તો 86 જળાશયો હાઈએલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે.