'મતદાનના દિવસે બૂથ પર 25-25 થાળીઓ વગાડવા અપીલ', - પીએમ બોલ્યા આ વખતે વૉટિંગનો રેકોર્ડ તોડી નાંખજો
સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, ઓવારણા લીધા તે માટે માતા-બહેનોનો આભાર માનું છે
Lok Sabha Election: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પુરજોશમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યું છે. અત્યારે પીએમ મોદી બે દિવસની ગુજરાતના પ્રવાસે છે, અને બે દિવસમાં કુલ 6 સભાને ગજવશે, ગઇકાલે ઉત્તર ગુજરાતમાં સભાઓ કર્યા બાદ આજે આણંદ અને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર વરસ્યા હતા. સુરેન્દ્રનગરમાં સભા સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, આ વખતે રેકોર્ડ તોડી નાંખજો, દરેક બૂથ પર 25-25 થાળીઓ વગાડીને મતદાન કરજો. સુરેન્દ્રનગરમાં જન સભા સંબોધીને કોંગ્રેસને આડે હાથે લેતા તેમણે કહ્યુ કે, કોંગ્રેસ લખીને બાંહેધરી આપે કે બાબાસાહેબ આંબેડકરે જે અનામત આપેલું છે એને ધર્મના આધાર પર દલિતો, આદિવાસીઓ, બક્ષીપંચ પાસેથી લૂંટીને મુસલમાનોને અનામત નહીં આપે.
સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, ઓવારણા લીધા તે માટે માતા-બહેનોનો આભાર માનું છે. ગુજરાત આખુ પ્રેમ વરસાવી રહ્યું છે. ગુજરાતનું ઋણ ક્યારેય ના ભુલી શકું. પીએમ મોદીએ સૌરાષ્ટ્રના પ્રેમને યાદ કરતાં કહ્યું કે મને પ્રથમવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે જ બનાવ્યો, ગુજરાતને મારૂ પાકુ ઘડતર કર્યુ છે. આપણે નાનુ વિચારતા નથી અને નાનુ કરતા પણ નથી. વિશ્વના સૌથી મોટું સ્ટેડિયમ અને સ્ટેચ્યૂ બનાવ્યું, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત બનાવવાનું છે.
પીએમ મોદીએ લોકોનો હોંસલો વધારતાં જણાવ્યું કે, આ વખતે તમારે બધાએ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાંખવાના છે. 10 વાગ્યા પહેલા દરેક બૂથ પર જઇને 25-25 થાળી વગાડવી અને મતદાન કરવું. બધા પૉલિંગ બૂથ આપણે જીતવાના છે. અગાઉની સરકારોમાં માત્ર કૌભાંડ જ થયા છે. 10 વર્ષ પહેલા છાપામાં માત્ર કૌભાંડના જ સમાચાર આવતા હતા. ગરીબોને કોંગ્રેસની સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, અમારી સરકારે ગરીબો માટે અનેક કામો કર્યા છે. અમારી સરકારે હંમેશા ગરીબોની ચિંતા કરી છે.
સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસે તેના શાસનમાં માત્ર કૌભાંડ જ કર્યા છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે. દુનિયાના દરેક દેશમાં ભારતનો ડંકો વાગે છે. મોદીના કારણે નહીં તમારા મતના કારણે વિશ્વમાં દેશનો ડંકો વાગી રહ્યો છે. ભારતમાં આવવા વિશ્વની કંપનીઓ વચ્ચે સ્પાર્ધા જામી છે. આજે આતંકવાદને ભારત તેમના ઘરમાં ઘૂસીને મારે છે. વિશ્વમાં ભારત પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બની છે.