Lumpy Virus : વલસાડમાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, 5 માંથી એક પશુનું સેમ્પલ પોઝિટિવ આવ્યું
Lumpy Virus in Gujarat : 5 પશુઓના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતા, જેમાંથી એક પશુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Valsad : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. મળતી માહિતી મુજબ વલસાડમાં 5 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા હતા.
5 પશુમાંથી એક લમ્પી સંક્રમિત
આ 5 પશુઓના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતા, જેમાંથી એક પશુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ ગાય સારવાર હેઠળ છે. આ સાથે આજુબાજુના તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
એક વાછરડીમાં દેખાયા હતા લક્ષણો
બે દિવસ પહેલા ગત 30 જુલાઈએ વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી. આ સાથે સલામતીના ભાગ રૂપે વિસ્તારના પશુઓને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જીલ્લામાં લમ્પીનો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા પશુપાલકોમાં ભય ફેલાયો હતો.
રાજ્યના 20 જિલ્લાઓમાં લમ્પી વાયરસ ફેલાયો
ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ 20 જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે.
અત્યાર સુધીમાં કેટલા પશુઓના મોત?
20 જિલ્લાઓના અસરગ્રસ્ત 1935 ગામોમાં 54,161 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે, તે તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 7.90 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.