Mahisagar Rain: મહીસાગર જિલ્લામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારમાં વીજળી ગુલ
Mahisagar Rain: મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વીરપુરમાં બે જ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંકારની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત લુણાવાડા અને સંતરામપુરમાં પણ સવા ઇંચ વરસાદ પડ્યો હતો.
Mahisagar Rain: મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વીરપુરમાં બે જ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંકારની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત લુણાવાડા અને સંતરામપુરમાં પણ સવા ઇંચ વરસાદ પડ્યો હતો. ખાનપુર કડાણા બાલાસિનોરમાં પણ એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઇ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને લઈ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.
નવસારીમાં બારે મેઘ ખાંગા
નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં 12 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદના કારણે આખે આખું શહેર બેટમાં ફેરવાયું છે. જુનાથાણા, શહીદ ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. શહેરના માર્ગો પર તો કેડસમા પાણી ભરાયા પરંતુ દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા છે. એકા એક વરસેલા વરસાદના કારણે જે લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હતા.
50થી વધુ ગેસની બોટલ પાણીમાં તણાઈ
12 ઈંચ વરસાદ વરસતા જલાલપોરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ખેરગામમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે ગણદેવીમાં સાડા પાંચ ઈંચ અને ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાથાણા વિસ્તારમાં આવેલી ઝુમરૂ ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેસની બોટલો રાખવામાં આવી હતી. પરંતુ આખુ ગ્રાઉન્ડ પાણીથી ભરાઈ જતા ગોડાઉનનો લોખંડનો ગેટ તૂટી ગયો અને એક બાદ એક 50થી વધુ ગેસની બોટલ પાણીમાં તણાઈ ગઈ હતી.
સેન્ટ્રલ બેંક વિસ્તારમાં તો નદીની જેમ પાણી વહ્યાં છે. પાણીના પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ એક કાર તણાઈ ગઈ હતી. વિજલપોરના તમાર્કરવાડી વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા છે. શબવાહીની પહોંચી શકે તેમ ન હોવાથી પરિવારજનોને લારી પર નનામી કાઢવી પડી હતી. નવસારી શહેરનો લાઈબ્રેરી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. રસ્તો પાર કરતા એક વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જોકે, દીપેશ નાયર નામના યુવકે વિદ્યાર્થિની અને આધેડનો જીવ બચાવ્યો હતો. શહેરના તીઘરા રોડ પર જળમગ્ન થઈ ગયો હતો. અહીં કેડ સમા પાણી ભરાયા હતા. સ્કૂલ ગયેલા નાના બાળકો પાણીમાં ફસાઈ ગયા હતા. જોકે, વાલીઓએ બાળકોને તેડીને જેમ તેમ કરી રસ્તો પાર કરાવ્યો હતો.
સવારે બે કલાકમાં જ નવ ઈંચ વરસાદ વરસદી જતા કુષિ યુનિવર્સિટી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી ટુ વ્હીલર બંધ પડી ગયા હતા. નવસારીનો વિદ્યાકુંજ વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો હતો. એરૂ ચાર રસ્તા પર પાણી ભરાતા, નવસારી દાંડી માર્ગ બંધ કરાયો. રસ્તો બંધ થઈ જતા સંસ્કાર ભારતી સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રેકટરમાં બેસાડી ઘરે લઈ જવાયા. તો શાંતાદેવી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી. એપાર્ટમેન્ટની નીચે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.