સારા વરસાદ માટે રાહ જોવી પડશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
નૈઋત્યના ચોમાસાના વહેલા આગમન પછી પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય ન હોવાના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો નથી. જેને કારણે રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી છે.
નૈઋત્યના ચોમાસાના વહેલા આગમન પછી પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય ન હોવાના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો નથી. જેને કારણે રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.
રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન છુટા છવાયા વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન છુટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે એટલે કે 3 જુલાઈએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 3 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના 23 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી
આવતીકાલથી એટલે કે 4 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. 4 અને 5 તારીખે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો 6 અને 7 જુલાઈ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મહત્વનું છે કે જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે ગુજરાતમાં 29% જેટલી ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 140.1 એમએમ જેટલો વરસાદ વરસવો જોઈતો હતો. જેની સરખામણીએ રાજ્યમાં માત્ર 101.1% જ વરસાદ વરસ્યો છે. આ સાથે જ 3 જુલાઈ સુધીમાં રાજ્યના 23 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદની ઘટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. જ્યારે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં પડ્યો છે. હજુ પણ ગુજરાતને સારો વરસાદ મળે તેવી કોઈ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય નથી થઈ. જેને કારણે ગુજરાતના ખેડૂતોને વાવણી લાયક સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.