રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
કાંતિ અમૃતિયાએ વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી.. રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે.

Kanti Amrutia Vs Gopal Italia : સોમવારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વગર વિધાનસભાથી નીકળી ગયા હતા. અંતે રાજીનામાના નાટકનો અંત આવ્યો હતો. કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે જો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવશે તો જ તેઓ રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલિયા હાજર રહેશે નહીં તો, કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે. કાંતિ અમૃતિયાએ વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. હવે આ રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે.
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આપ્યું નિવેદન
આખો દિવસ આ મુદ્દાથી દુર રહેલા ગોપાલ ઈટાલિયાએ વિસાવદરના એક કાર્યક્રમમાં આ રાજીનામના હાઈવોલ્ટેજ ડ્રામા પર નિવેદન આપ્યું છે. કાંતિ અમૃતિયાને જવાબ આપતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, મુદ્દો ભટકાવવા માટે ભાજપવાળા મુદ્દો લઈ આવ્યા કે ગોપાલ રાજીનામું આપશે. મે ક્યાં કીધું કે હું રાજીનામું આપી દઈશ એમ. ક્યાંય મારો એવો શબ્દ છે ? કોઈએ સાંભળ્યું ?
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, બધાને વહમું લાગી ગયું છે. 30 વર્ષથી બધુ ગોઠવાય ગયું હતું. એક સીટ જીત્યાએમાં શું ઉપાડો લીધો છે તેવું ભાજપે શરૂ કર્યું હતું. દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એક સીટ પર એક જ વ્યક્તિ જીતે. અને આ ઉપાડો આખી સરકારને હરાવીને જીત્યા એનો ઉપાડો છે. 400 સામે એક હતો એટલે ઉપાડો લીધો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કરી હતી સ્પષ્ટતા
આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ થઈ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ વિસાવદરની જનતા માટે મજબૂતાઈથી કામ કરશે.





















