Morva Hadaf By Polls: મોરવાહડફ પેટાચૂંટણીમાં આશરે 45 ટકા થયું મતદાન
મોરવા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. કુલ ૩૨૯ મતદાન મથકો પર વોટિંગ યોજાયું હતું.
પંચમહાલ : મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજે 45 ટકા જેટલું કુલ મતદાન નોંધાયું હતું. સવારના ૭ વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં સાંજના ૬ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સાથે સમગ્ર મતદાનપ્રક્રિયા દરમ્યાન કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
મોરવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં ૩૯.૬૦ ટકા મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં 35.58 ટકા મતદાન થયું હતું. સવારે 11 વાગ્યા સુધી 19.40 ટકા મતદાન નોંધાયું હતું. કુલ ૩૨૯ મતદાન મથકો પર વોટિંગ યોજાયું હતું.
આ ચૂંટણી જંગમાં ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષા સુથારની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાની સાથે હતી. હવે 2 મે ના રોજ મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે.
ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે મોરવા હડફના ગોબલી ફળિયા પ્રાથમિક શાળાના મતદાન બુથ પરથી મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મતદાન કર્યુ છે. સાગવાડા ગામની કસુંબલ ડુંગર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે તેમણે મતદાન કર્યુ હતુ.
૧૬૪૫ ચૂંટણીકર્મીઓ સહિત એક આરોગ્યકર્મી પણ ફરજ પર હતા. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2,19,337 મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પર 62.22 ટકા, જ્યારે 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 60.69 ટકા મતદાન થયું હતું..