Girnar Rope Way: ગિરનાર રોપ-વેને ફળ્યું ઉનાળું વેકેશન, એક મહિનામાં આવકમાં થયો તોતિંગ વધારો
Ropeway: ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે.
Girnar Rope Way: ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમા પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
રોજની કેટલી મારવામાં આવે છે ટ્રીપ
ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 (3.1 કરોડ)ની સરખામણીએ માર્ચમાં (4.03 કરોડ) એક કરોડનો વધારો જોવા મળ્યો છે. 2320 મીટર લાંબા અને 898.4 મીટર ઉંચા રોપવેમાં અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ મારવામા આવી રહી છે. પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર ટૂંક સમયમાં રોપવે કેબિનને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે.
10000 પગથિયા ચડ્યા વગર મિનિટોમાં પહોંચી જવાય છે માતાજીના મંદિર સુધી
ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર આલોકકુમાર પાંડેએ આ બાબતે જણાવ્યું કે, “ગિરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રોપવે પ્રોજેક્ટના લીધે પ્રવાસીઓ માટે મા અંબેના દર્શન કરવા અત્યંત સુલભ બની ગયા છે. પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને રોપવેની સુવિધાથી પર્વતના 10000 પગથિયા ચડ્યા વગર મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે. સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે અને આવકમાં પણ માત્ર એક મહિનામાં એક કરોડ જેટલો વધારો થયો છે જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે.
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ