Narmada News: આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના સેશન્સ કોર્ટે જામીન કર્યા મંજૂર
Narmada News: શકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો, ધમકાવવાના ગુનામાં ધારાસભ્ય સહિત તમામના જામીન કોર્ટે મંજૂર કર્યા છે.
Narmada News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે, આજે જિલ્લાની સેશન કોર્ટે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન મંજૂર કર્યા છે. શકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો, ધમકાવવાના ગુનામાં ધારાસભ્ય સહિત તમામના જામીન કોર્ટે મંજૂર કર્યા છે.
ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આખરે ગઈકાલે 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે, મને ખોટા કેસમાં ફસાવી ભાજપે જેલમાં ધકેલ્યો હતો. જો કે, આદિવાસીઓના હકની લડત ચાલુ રહેશે.
ચૈતર વસાવાએ હુંકાર કર્યો કે, તેઓ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે અને જીતશે. જો કે, જ્યારે તેમને સવાલ પૂછાયો કે, સ્વર્ગીય અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડવા ઈચ્છુક છે. ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન ઉમેદવાર નક્કી કરશે. કોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરતો પર જામીન આપ્યા છે. એવામાં ચૈતર વસાવા ગાંધીનગરમાં રહેશે.
હાઇકોર્ટમાં અપીલ કરીશુઃ ચૈતર વસાવા
જેલમાંથી બહાર આવતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે મને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરીશું. આદિવાસીઓ માટે અમે બોલીએ છીએ. રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર કરે છે.
વસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓના અધિકાર માટે અમે લડીશું. આદિવાસી સમાજ માટે વિધાનસભામાં પણ લડીશું. તેમણે કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશું અને જીતીશું. લોકહિત,લોકશાહી માટે અમે લડીશુ. ગઠબંધન જે પણ હશે તે મુજબ લડીશુ. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જે નક્કી કરશે તે મુજબ લડત આપીશું.
શું છે કેસ?
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. આ જમીનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હતો જે તંત્રના ધ્યાને જતા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને કામગીરી અટકાવી હતી. દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.