મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મુખ્યમંત્રીનો ઉદ્ધવ ઠાકરે પર પલટવાર, મહાયુતિ સરકારના સંકલન અને પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂક્યો.

Devendra Fadnavis budget session: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. ફડણવીસે સ્પષ્ટ કર્યું કે અગાઉની મહાયુતિ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો માત્ર એકનાથ શિંદેના નહોતા, પરંતુ તે નિર્ણયોમાં તેમની અને અજિત પવારની પણ સમાન ભાગીદારી હતી. શુક્રવારે રાજ્ય વિધાનસભામાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
મુખ્યમંત્રી ફડણવીસે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, “હું ઉદ્ધવ ઠાકરે નથી કે ચાલુ પ્રોજેક્ટો પર બ્રેક મારૂં. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે લીધેલા તમામ નિર્ણયો માત્ર તેમના એકલાના નહોતા. એ નિર્ણયો મારી અને અજિત પવારની પણ સંયુક્ત જવાબદારી હતા." તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની મહાયુતિ સરકારની કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડતા કહ્યું કે આ સરકાર સંકલનથી ચાલે છે અને તમામ મહત્વપૂર્ણ નિર્ણયોમાં ગઠબંધનના દરેક નેતા સામેલ હોય છે.
પ્રોજેક્ટ અટકાવવાના વિપક્ષના આરોપોને ફગાવતા મુખ્યમંત્રીએ મીડિયામાં ગુણવત્તાયુક્ત સમાચાર અને વિરોધ પક્ષોમાં ગુણવત્તાયુક્ત ટીકાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, "જો કોઈ વિભાગીય કમિશનર કોઈ યોજના કે પ્રોજેક્ટ અટકાવે છે, તો પણ તેને હું અટકાવ્યાનો દાવો કરીને વિપક્ષ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવે છે, જ્યારે હકીકત એ છે કે તે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પૂર્ણ કરતો નથી."
ફડણવીસે ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને મળેલા જંગી જનાદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે લોકોએ મહાયુતિમાં તેમનો અતૂટ વિશ્વાસ મૂક્યો છે અને આ સરકાર લોકોના સપના અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે.
વહીવટી સુધારા પર બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે તાલુકા કક્ષાની કચેરીઓથી લઈને મંત્રાલય સુધી 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનનો ઉદ્દેશ્ય સરકારી કચેરીઓના રેકોર્ડને સુધારવા અને લોકો માટે મૈત્રીપૂર્ણ શાસન સુનિશ્ચિત કરવાનો છે. તેમણે ઉમેર્યું કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) દ્વારા દરેક વિભાગના કામનું મૂલ્યાંકન કરવામાં આવશે અને 1 મેના રોજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિભાગોને સન્માનિત કરવામાં આવશે.
મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ફડણવીસે કહ્યું કે દેશની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન, મેટ્રો-3, જૂન 2025 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, અને 2027 સુધીમાં તમામ મેટ્રો લાઇન શરૂ થઈ જશે. તેમણે ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષાયું હોવાના વિપક્ષના આરોપોને નકારી કાઢતા દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રે ગુજરાત કરતાં ત્રણ ગણું વધારે રોકાણ મેળવ્યું છે.
આ પણ વાંચો...





















