વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
સોનવાડા ગામનો બ્રિજ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનોને ભારે નુકસાન થાય છે.

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે પર થોડા થોડા અંતરે એવા તે ખાડા પડ્યા કે ચાલકોને રસ્તો શોધવાની નોબત આવી છે. નેશનલ હાઈવે 48 પર વાઘલધરાથી વલસાડમાં પ્રવેશ કરતા હોય તો સાવધાન રહેજો કારણ કે ડુંગરી પાસે પહોંચો ત્યાં સુધીમાં જ તમે વ્હીકલ ચલાવતા ચલાવતા થાકી જશો. કારણ છે અત્યંત બિસ્માર હાલતમાં સર્વિસ રોડના કારણે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. સોનવાડા ગામનો બ્રિજ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. જેના કારણે વાહનોને ભારે નુકસાન થાય છે. વાંકી નદી પરના આ પૂલ પર સુરત-મુંબઈ તરફના માર્ગ પર મોટા સળીયા બહાર આવી ગયા છે. જેના કારણે ફૂલ સ્પીડમાં દોડતા વાહનો પર બ્રેક લાગી છે. આમ, નેશનલ હાઈવે 48 પર થોડા થોડા કિલોમીટરના અંતરે આ પ્રકારના મસમોટા ખાડાના કારણે ટ્રાફિકજામની સાથે વાહનોને નુકસાન થઇ રહ્યુ છે.
અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર પણ મસમોટા ખાડા પડ્યા હતા. ડામર-કપચી સહિતનું મટિરિયલ્સ બહાર આવી ગયું હતું. મોટા વાહનોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લોકોએ કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો હતો.
વડોદરા કોર્પોરેશને ચોમાસા પહેલા પ્રિમોન્સુનની કામગીરી કરી હતી. આ કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં જોખમી વૃક્ષોનું ટ્રીમીંગ નથી કરાયું. શહેરના નિઝામપુરા, ફતેગંજ, જેલરોડ, આજવારોડ, સયાજીગંજ, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિત અનેક વિસ્તારના રાજમાર્ગો પર વૃક્ષોની ડાળીઓ નમી પડી છે. લોકોનો રોષ છે કે કોર્પોરેશન માત્ર કાગળ પર કામગીરી કરીને સંતોષ માની લે છે અને દર વખતે ભોગવવાનું સ્થાનિકોને આવે છે. ગત વર્ષે પણ વડોદરાવાસીઓની સ્થિતિ કફોડી બની હતી. પૂરના પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા હતા. લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ હતી. ત્યારે આ વખતે પણ કોર્પોરેશને પોતાની કામગીરી યોગ્ય રીતે ન કરતા સ્થાનિકોને ડર સતાવી રહ્યો છે.
રાજકોટ ભાવનગર હાઇવે પર મસમોટા ખાડા જોવા મળ્યા હતા. માત્ર નેશનલ હાઈવે નહીં પરંતુ સ્ટેટ હાઇવે પર પણ મોટા ખાડા પડી ગયા છે. આ હાઈવે રાજ્ય સરકાર હસ્તગત આવે છે. સાત વર્ષ પહેલા 100 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટથી ભાવનગર ફોર ટ્રેક હાઈવે બન્યો હતો. રાજકોટ ભાવનગર હાઇવે પર માંડા ડુંગર,મહીકા,કાળીપાટ,સરધાર સહિતના ગામ પાસે મોટા ખાડા જોવા મળ્યા હતા. રાજકોટ ભાવનગરના લોકો ખાડાથી પરેશાન છે.





















