નવસારીમાં એક જ દિવસમાં બે અકસ્માતઃ દાંડી રોડ પર એકનું મોત; ગણદેવી રોડ પર ટ્રીપલ અકસ્માત
છોટા હાથી અને એક્ટિવા વચ્ચે ટક્કરમાં યુવાનનું ઘટનાસ્થળે મોત; ગણદેવી રોડ પર ટેમ્પો, બાઈક અને રીક્ષા વચ્ચે ટક્કરમાં મહિલા સહિત 2 ને ઈજા.

Navsari road accident today: નવસારી જિલ્લામાં આજે 2 જુદા જુદા માર્ગ અકસ્માતોની ઘટનાઓ બની હતી, જેમાં કુલ 1 વ્યક્તિનું મોત થયું હતું અને 2 લોકો ઘાયલ થયા હતા. બંને ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાંડી રોડ પર ભાઈનું કરુણ મોત
નવસારી નજીક આવેલા ઐતિહાસિક દાંડી રોડ પર, મટવાડ ગામની પ્રાથમિક શાળા પાસે, એક છોટા હાથી ટેમ્પો અને એક્ટિવા મોપેડ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે ભાઈઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી દાંડી રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો.
ગણદેવી રોડ પર ટ્રીપલ અકસ્માત
નવસારી શહેરના ગણદેવી રોડ વિસ્તારમાં પણ ટ્રીપલ અકસ્માતની ઘટના સામે આવી હતી. અહીં એક ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ તે બાઈક રીક્ષામાં જઈને અથડાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના કારણે મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા ફરાર ટેમ્પો ચાલકને ઝડપી પાડવા અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.





















