ગુજરાતમાં ઘર ખરીદદારો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરી, હવે આટલી રકમથી વધારે નહીં ચૂકવવા પડે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘર ખરીદનાર માટે રાહત; મહત્તમ ફી કુલ કિંમતના ૦.૫% અથવા રૂ. ૧ લાખ નક્કી.

Housing society transfer fee limit: ગુજરાતમાં હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં ઘર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી હવે સોસાયટીઓ દ્વારા મનમાની રીતે વસૂલવામાં આવતી તોતિંગ ફી પર લગામ લાગશે. નવા નિયમ અનુસાર, ઘરની ખરીદ-વેચાણ સમયે સોસાયટીઓ કુલ અવેજ રકમના ૦.૫ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા ૧ લાખ સુધી જ ટ્રાન્સફર ફી વસૂલી શકશે. આ નિયમથી રાજ્યભરની ૩૦,૦૦૦ થી વધુ હાઉસિંગ સોસાયટીઓના લાખો સભાસદોને સીધો ફાયદો થશે.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફીના નામે થતી ઉઘરાણી અંગે અનેક ફરિયાદો મળી હતી. સહકારી કાયદા અને નિયમોમાં ટ્રાન્સફર ફી બાબતે સ્પષ્ટ જોગવાઈઓ ન હોવાના કારણે સોસાયટીઓ દ્વારા મનઘડંત રીતે મોટી રકમ વસૂલવામાં આવતી હતી, જેનાથી ઘર ખરીદનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સહકારી કાયદામાં સુધારો કરીને નવા નિયમો બનાવવાનો નિર્ણય લીધો હતો.
નવા નિયમો ત્રીજી માર્ચથી અમલમાં આવી ગયા છે. જે અંતર્ગત હવેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ મનમાની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં. કોઈપણ ઘરની ખરીદ-વેચાણના સમયે સોસાયટી ફક્ત કુલ કિંમતના ૦.૫ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧ લાખ, બે માંથી જે ઓછું હોય તેટલી જ ટ્રાન્સફર ફી વસૂલી શકશે. સહકાર મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સોસાયટીઓ પોતાની રીતે આ રકમમાં ઘટાડો કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં તેનાથી વધારે ફી વસૂલી શકશે નહીં.
મહત્વનું છે કે, નવા નિયમો કાયદેસરના વારસદારોને પણ રાહત આપશે. વારસાઈમાં મિલકત ટ્રાન્સફર કરવાના કિસ્સામાં, જો કોઈ અવેજ ચૂકવવામાં ન આવ્યો હોય તો, સોસાયટી કોઈપણ પ્રકારની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં. આ ઉપરાંત, ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે સોસાયટીઓ કોઈ પણ રકમ ઉઘરાવી શકશે નહીં.
રાજ્ય સરકારના આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે અને લાખો સભાસદોને હેરાનગતિમાંથી મુક્તિ મળશે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને સર્વત્ર આવકાર મળી રહ્યો છે અને તે ઘર ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પણ વાંચો....
સોમનાથના દરિયા કિનારે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ-૨૦૨૫ યોજાશે, હેન્ડબોલ અને વોલીબોલની જામશે રમઝટ




















