(Source: ECI/ABP News/ABP Majha)
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કૉર કમિટીની બેઠકમાં રાજ્યની સ્કૂલ અને કોલેજોને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
ગાંધીનગરઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કૉર કમિટીની બેઠકમાં રાજ્યની સ્કૂલ અને કોલેજોને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી રાજ્યની શાળા-કોલેજોમાં સંપૂર્ણ રીતે ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ જશે. કોરોનાના કેસ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે 21 ફેબ્રુઆરીથી તમામ શાળા-કૉલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ થશે.
શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારશ્રીએ મહત્વનો નિર્ણય લીધો છે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 17, 2022
નોંધનીય છે કે રાજ્યમાં કોરોનાના દૈનિક કેસ 1 હજારની નીચે આવી ગયા છે. શાળા-કૉલેજોમાં વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ લઇ રહ્યા છે. કેંદ્ર સરકારના આરોગ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખી નિયંત્રણો હળવા કરવા ભલામણ કરી છે. જેને લઈ રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવા કવાયત હાથ ધરી છે.
બીજી તરફ સરકારે કોરોનાના કેસ ઘટતા નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના છ મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રી કર્ફ્યૂ રહેશે. તે સિવાય હવે લગ્ન માટે પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહી રહે. અમદાવાદ અને વડોદરામાં રાત્રીના 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે.
કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. સુરત, રાજકોટ, ભાવનગરમાં નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખુલ્લી જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 75 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે. તે સિવાય બંધ જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 50 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે.
રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. ઉપરાંત એસટી અને ખાનગી બસો 100 ટકા ક્ષમતા સાથે દોડશે. નવી ગાઇડલાઇન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.