Panchmahal Rain: પંચમહાલ જિલ્લામાં મીની વાવાઝોડું, ભારે પવન સાથે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી
હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ગોધરા જિલ્લા પંચાયત સંકુલ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
પંચમહાલ: હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ગોધરા જિલ્લા પંચાયત સંકુલ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા સવારના સમયે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં મીની વાવાઝોડું ફૂકાતા ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, મોરવા હડફ, શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા.
જિલ્લામાં તોફાની પવનના કારણે 160થી વધુ વીજપોલને પણ નુકસાન થયું છે. ગોધરામાં તો મેઈન રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. બસ સ્ટેન્ડમાં મોટા હોર્ડિંગ્સ ઉડીને તૂટી પડ્યા હતા. આ તરફ઼ ભારે પવન ફૂકાવાને કારણે ગોધરા તાલુકામાં છારિયા ગામે બાજુના મકાન પરના પતરા ઉડીને આવતાં વિઠ્ઠલ મનું ભાઈ નામના વ્યકતિ ને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ને ગોધરા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે સવારથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. હવામાન વિભાગના અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તેની અસર જોવા મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડશે. વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 40 કિમીની ઝડપે પવન ફૂંકાતો રહેશે.
રાજ્યમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે. સૌરાષ્ટ્રના આ ત્રણેય શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.