Amirgadh:આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતનું આ ગામ વિકાસથી વંચિત
અમીરગઢ: એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસની ગુલબાંગો પોકારી રહી છે ત્યારે અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓને વિકાસના ફળ ચાખવા મળ્યા નથી.
અમીરગઢ: એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસની ગુલબાંગો પોકારી રહી છે. ત્યારે આઝાદીના 75 વર્ષ બાદ પણ અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓને વિકાસના ફળ ચાખવા મળ્યા નથી. અમીરગઢ તાલુકાના માનપુરીયાના ગ્રામજનો માથે દર ચોમાસું મુશ્કેલીઓ લઈને આવે છે.
બાળકોનો અભ્યાસ બગડે છે
અમીરગઢ તાલુકાના બોર્ડર પરનું ગામ માનપુરીયા આવેલું છે. જે માનપુરીયા-1 અને માનપુરીયા-2 ગામ વચ્ચે નદી આવેલી છે. આ ગામમાં આદિવાસી સહિતના તમામ અઢારે વર્ણના લોકો રહે છે. જોકે, ચોમાસું આવે અને ગ્રામજનોના માથે પનોતી બેસી જાય છે. દર ચોમાસે નદી આવતા બન્ને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે. બન્ને ગામ વચ્ચેનો રસ્તો કે નાળુ ન હોઈ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નદી આવતા શાળા માં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસ બગડે છે. જ્યારે દૂધ ભરાવવા જતા પશુપાલકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અરે, ડિલેવરી સમયે દવાખાના જતા રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઈ જાય છે. તો ક્યારેક તો મોતને પણ ભેટે છે. આ અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ હજી સુધી મળ્યું નથી.
માત્ર ઠાલા વચનો આપી સરકારી બાબુઓ કે નેતાઓ જતા રહે છે
દર ચોમાસે રસ્તાઓ તૂટી જતા અંતરિયાળ વિસ્તારના ગ્રામજનો સંપર્ક વિહોણા બની જાય છે. દર ચોમાસે મુશ્કેલીઓ વેઠતા ગ્રામજનો તંત્ર અને સરકારને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી કરી ને થાકી ગયા પણ પરિણામ મળતું નથી. માત્ર ઠાલા વચનો આપી સરકારી બાબુઓ કે નેતાઓ જતા રહે છે. ચૂંટણી ટાણે વોટ માંગવા પૂરતો ગામનો ઉપયોગ થતો હોવાનો બળાપો ગ્રામજનો ઠાલવી રહ્યા છે.
રોડ વરસાદમાં ધોવાઈ ગયો
આશરે 2500ની વસ્તી ધરાવતા ગ્રામજનો રોડ, રસ્તાની તકલીફોથી પારાવાર યાતનાઓ વેઠી રહ્યા છે. અને હવે કંટાળીને સરકાર ન કરી આપે તો લોકફાળો ઉઘરાવીને રસ્તો બનાવવાની સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. આમ, વિકાસની વાતો વચ્ચે ઇકબાલ ગઢ કપાસિયા જતો રસ્તો પણ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. મોટા મોટા ખાડા પણ રીપેર નથી થયા ત્યારે રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગ્રામજનો ચોમાસુ આવતા જ પડનારી તકલીફોને લઈને કાંપી ઉઠે છે.