PM મોદી આજે દમણ અને દાદરાનગર હવેલીને આપશે બે મોટી ભેટ, દમણમાં સી- ફ્રન્ટનું કરશે લોકાર્પણ
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીને વડાપ્રધાન મોદી આજે અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીને વડાપ્રધાન મોદી આજે અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. સંઘ પ્રદેશની એક દિવસની મુલાકાત દરમિયાન પીએમ દમણમાં રોડ શો યોજશે. તો ચાર હજાર 800 કરોડના ખર્ચે તૈયાર થયેલ 45થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણની સાથે 50 પરિયોજનાઓનું શિલાન્યાસ પણ કરશે. સૌ પ્રથમ પીએમ મોદી દાદરાનગર હવેલીના સેલવાસમાં પહોંચશે. જ્યાં 31 એકરમાં ફેલાયેલ અને 145 કરોડના ખર્ચે તૈયાર થયેલ નમો મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરશે. જે મેડિકલ કોલેજનો પાયો 2019માં નખાયો હતો. તે સંસ્થા પાસે હાલ 150 MBBS બેઠકની ક્ષમતા છે. તે હવે વધીને 177 થઈ છે. કોલેજમાં હાલ 682 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. આ અદ્યતન મેડિકલ કોલેજમાં હાઈટેક સંશોધન કેંદ્ર અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓથી સજ્જ સેટ્રલ લાઈબ્રેરી છે. સાથે જ વિશિષ્ટ તબીબી સ્ટાફ, તબીબી પ્રયોગશાળા, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન પ્રયોગશાળા, ક્લબ હાઉસ, રમતગમતની સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટે રહેવાસી સુવિધા છે.
સેલવાસાનો શિલાન્યાસ અને ઉદ્ધાટનો બાદ સાંજે પીએમ મોદી દમણ પહોંચશે. જ્યાં પીએમ મોદીનું રોડ શો મારફતે ભવ્ય સ્વાગત કરાશે. સંઘ પ્રદેશ દમણ પર્યટક સ્થળ છે ત્યારે સમગ્ર વિસ્તારની કાયાપલટ કરવા અર્થે સાડા પાંચ કિલોમીટરનો 350 કરોડના ખર્ચે દેવકા સી ફ્રન્ટ તૈયાર કરાયો છે. પીએમ મોદી આ સી ફ્રન્ટ ઉદ્ધાટન કરશે. જે દુનિયાનો એક માત્ર આ પ્રકારનો દરિયાઈ સી ફ્રન્ટ હશે. વાસ્તુ કલાને ધ્યાનમાં રાખી સી ફ્રન્ટનું નિર્માણ કરાયું છે. જેની લંબાઈ 4.9 કિલોમીટરની અને ઉડાઈ 7.2 મીટર છે. સમુદ્રના માધ્યમથી પર્યટન વ્યવસાયનો વ્યાપ વધારી દમણમાં રોજગારીની તકો વધારવાનો આ પ્રયાસ છે. વિશ્વ સ્તરીય પર્યટન સ્થળ બનાવવા અહીં લાઈટીંગ, પાર્કિંગ ઓસન પાર્ક, ગાર્ડન, નાઈટ માર્કેટ, ફૂટ સ્ટોલ, લક્ઝરી ટ્રેન સીટી જેવી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. સાથે જ સી ફ્રન્ટ પાસે હોટલો અને રેસ્ટોરંટમાં રોકાણ વધે તેવા પણ પ્રયાસ કરાયા છે. કેમ કે પીએમ મોદી આજે પહોંચી રહ્યા છે ત્યારે દમણ પ્રશાસને તેમના સ્વાગત માટે અદભૂત આયોજન કર્યું છે. રોડ શોની શરૂઆતથી અંત સુધી અનેક સ્થળે સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરાશે. પીએમના આગમનને કારણે સમગ્ર સંઘ પ્રદેશમાં જબરદસ્ત થનગનાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસીય કેરળ પ્રવાસે કોચ્ચી પહોંચ્યા છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચીમાં રોડ શો કર્યો હતો અને હવે મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. મળતી માહિતી મુજબ પીએમ આ દરમિયાન વોટર મેટ્રો પણ શરૂ કરશે. સોમવારે કોચ્ચીમાં લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી.