Vapi: વાપીમાં કેશિયરે જ બેંકને લગાવ્યો ચૂનો, ગ્રાહકે ગીરવે મુકેલા અસલી દાગીનાની ચોરી કરી નકલી દાગીના મુકી દીધા
વાપી: એક બેંકના કેશિયરે ગ્રાહક સાથે મળી બેંક સાથે છેતરપિંડી કરી છે. ગ્રાહકે ગોલ્ડ લોનના બદલામાં બેંકમાં ગીરવે મુકેલા સોનાના અસલી દાગીનાને બદલે નકલી દાગીના મૂકી અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.
વાપી: એક બેંકના કેશિયરે ગ્રાહક અને બેંક સાથે છેતરપિંડી કરી છે. ગ્રાહકે ગોલ્ડ લોન લેવા બેંકમાં સોનાના દાગીના ગીરેવા મુક્યા હતા. જો કે કેશિયરે ચાલાકી વાપરી અસલી દાગીના તફડાવી નકલી દાગીના મુકી દીધા હતા. આ મામલે બેંક દ્વારા બેંકના કેશિયર વિરૂધ ફરિયાદ દાખલ થતાં વાપી ટાઉન પોલીસે કેશીયરની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, વાપીના ચલા વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં વાપીના છરવાડા રોડ વિસ્તારમાં રહેતા એક મહિલા ગ્રાહકે ગોલ્ડ લોન લેવા પોતાના અસલી દાગીના ગીરવે મૂક્યા હતા. બેંકના આ મહિલા ગ્રાહકે પોતાના 19.59 લાખની કિંમતના અસલી દાગીના ગીરવે મૂકી બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. ત્યાર બાદ વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં બેંકનું રૂટીન ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં કેરળ જ્વેલરી વર્કસ દ્વારા બેંકમાં ગોલ્ડ લોન લેવા માટે ગ્રાહકોએ મુકેલા દાગીનાનું ઓડિટ કરવામાં આવ્યું હતું.
આ ઓડિટ દરમિયાન બેંકમાં મુકેલા એક ગ્રાહકના 19.59 લાખની કિંમતના દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું. આથી બેંકનો સ્ટાફ ચોકી ગયો હતો. જોકે ત્યારબાદ બેંકની હેડ ઓફિસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. આથી હેડ ઓફિસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં હકીકત બહાર આવી હતી. બેંકના કોઈ કર્મચારીએ જ ગ્રાહકના મુકેલા અસલી દાગીનાને બદલે નકલી દાગીના મૂકી અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. આથી બેંકના મેનેજરે આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ આ મામલે પોલીસે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન બેંકના અન્ય સ્ટાફ અને મેનેજરના પણ નિવેદનો અને ફરિયાદના આધારે બેંકમાંથી અસલી દાગીનાની ઉઠાંતરી કરી અને નકલી દાગીના મુકનાર કોઈ અન્ય નહીં પરંતુ બેંકનો જ કેશિયર હોવાનું બહાર આવ્યું હતું. બેંકના સીસીટીવી ફૂટેજ તપાસતા બેંકના કેશિયર વિપુલ મનચંદાની શંકાસ્પદ હરકત દેખાઈ હતી. બેંકનો કેશિયર શંકાસ્પદ રીતે બેંકના સેફ વોલ્ટમાં જ્યાં ગ્રાહકોના દાગીના મુકેલા હતા તે વિસ્તારમાં પણ બિનજરૂરી રીતે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં ગ્રાહકોના અસલી દાગીના મુકેલા હતા તે વિસ્તારમાં પણ તેની હાજરી દેખાઈ હતી. આ હકીકત બહાર આવતા વાપી ટાઉન પોલીસે આ મામલામાં બેંકના કેશિયર વિપુલ મનચંદાનીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી લીધો છે.
આમ વાપીના ચલાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના કેશિયરે કરેલું એક કારસ્તાન બહાર આવ્યું છે. આથી અત્યાર સુધી આરોપી કેશીયરે કેટલા ગ્રાહકના દાગીના બદલ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.