Banaskantha: 31 ડિસેમ્બરને લઈ બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ
31 ડિસેમ્બરને લઈને રાજસ્થાનને અડીને આવેલી બનાસકાંઠાની ચેકપોસ્ટો પર પોલીસે સઘન સુરક્ષા અને ચેકિંગમાં વધારો કર્યો છે.
બનાસકાંઠા: 31 ડિસેમ્બરને લઈને રાજસ્થાનને અડીને આવેલી બનાસકાંઠાની ચેકપોસ્ટો પર પોલીસે સઘન સુરક્ષા અને ચેકિંગમાં વધારો કર્યો છે. ધાનેરાની નેનાવા, વાસણ,અનાપુર થરાદની ખોડા અને પાંથાવાડાની ગુંદરી ચેક પોસ્ટ ઉપર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ચેકપોસ્ટો પોલીસ છાવણીમાં ફેરવાઈ
31 ડિસેમ્બરને લઈને બોર્ડર વિસ્તારની ચેકપોસ્ટો પોલીસ છાવણીમાં જોવા મળી રહી છે. 31 ડિસેમ્બર નજીક આવતા હથિયાર ધારી પોલીસ જવાનોને આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ગોઠવવામાં આવ્યા છે. રાજસ્થાનમાંથી આવતા લોકો સહિત વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં પ્રવેશતા પહેલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પડોશી રાજ્યમાંથી વિદેશી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી થઈ રહી છે.
ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી લક્ઝરી બસમાંથી 2 લાખનો દારૂ ઝડપાયો
જો કોઈ ગુજરાતમાં માદક પદાર્થ અથવા વિદેશી દારૂ લઈ પ્રવેશે તો તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોકે હાલ ધાનેરાના વાસણ ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને 2.80 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બે આરોપીની અટકાયત પણ કરી હતી. પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી લક્ઝરી બસમાંથી પણ 2 લાખના દારૂ સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા થ્રિલેયરમાં બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે
31 ડિસેમ્બરને લઈ કોઇ નશીલા પદાર્થો ગુજરાતમા ન ઘુસાડવામાં આવે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. DGP ગુજરાતના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમા પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહનોનું ચેકીંગ કરે છે
અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેકટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહનોનું ચેકીંગ કરે છે. રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમા આવતાં શકમંદોની બ્રેથ એનેલાઈઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવાર નવાર વિદેશી દારૂ પકડવામાં આવે છે.