ARVALLI : યુવતીની હત્યાના કેસમાં ન્યાય માટે મૃતદેહ લઇ પરિવાર એસપી કચેરીએ જવા નીકળ્યો, જાણો પછી શું થયું
Arvalli News : આ હત્યા કેસમાં પરિવારજનો એ મેઘરજ પોલીસમાં બે યુવકો જીતેન્દ્ર અસારી અને જીતેન્દ્ર બરંડા સામે નામ જોગ હત્યાની ફરીયાદ નોંધાવી હતી.
Arvalli : અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારની 21 વર્ષીય મનીષા ડેડુલની હત્યાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. મનીષાનો મૃતદેહ બેડજના ડુંગર પાસે ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો જે બાબતે પરિવારજનો એ મેઘરજ પોલીસમાં બે યુવકો જીતેન્દ્ર અસારી અને જીતેન્દ્ર બરંડા સામે નામ જોગ હત્યાની ફરીયાદ નોંધાવી હતી.
યુવતીના મૃતદેહને પેનલ ડોક્ટરથી પીએમ માટે અમદાવાદ લઈ જવાયો હતો તે દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. પરંતું મૃતક યુવતીના પરિવારજનોની માંગ હતી કે બે બાઇકો પર આવેલ અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે અને જ્યાં સુધી તેમને ઝડપી લેવામાં ન આવે ત્યાં સુધી મૃતકની અંતિમવિધિ નહીં કરીએ.
આ માંગ સાથે મૃતક યુવતીના પરિવારજનો અને સામાજિક આગેવાનો મૃતદેહ સાથે મોડાસા એસપી કચેરીએ વાહનો દ્વારા નીકળ્યા હતા. પરંતુ અરવલ્લી પોલીસને સમગ્ર બાબતે માહિતી પ્રાપ્ત થતા એસપી કચેરી પહોચેએ પહેલાં જ ડીવાયએસપી પીઆઇ એલસીબી એસઓજી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે મોડાસાના 6 કીલોમીટર પહેલા મુલોજ રોડ પાસે મૃતકના મૃતદેહ સહિતના તમામ વાહન રોકી દેવામાં આવ્યા હતા.
સમગ્ર બાબતે ઝડપી ન્યાય અપાવવા પ્રયત્નો હાથ ધરાશે એવું આશ્વાસન મળતા સમગ્ર બાબતે સમજૂતી સાધી મૃતદેહને મૃતકના વતન મોટી પાંડુલી અંતિમ વિધિ માટે લઈ જવાયો હતો.
પોલીસે 15 દિવસમાં આરોપીઓને પકડવાની બાહેંધરી આપી
મેઘરજની કોલેજીયન યુવતીની હત્યાના મામલે યુવતીનો મૃતદેહ લઈને મોડાસા આવી રહેલા પરિવારજનો અને ગ્રામલોકોને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે રસ્તો બ્લોક કરી ગ્રામજનોની 10 ગાડીઓ રોકી હતી. 1 ડીવાયએસપી, 5 પીઆઇ સહીતના પોલીસ અધિકારીઓએ યુવતીની હત્યા મામલે ન્યાય માંગતા પરિજનોને સમજાવ્યા હતા. મેઘરજ-મોડાસા વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી. પોલીસે આરોપીઓને 15 દિવસમાં પકડી કાર્યવાહીની આપી બાંહેધરી આપતા આખરે પરિવારજનો યુવતીનો મૃતદેહ પરત લઇ ગયા હતા. યુવતીની અંતિમવિધિ ત્રણ દિવસ બાદ તેના ગામે કરવામાં આવશે.