લો કરો વાત ! હવે ગુજરાતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાંથી ધોરણ 6, 7 અને 8 ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરાયા
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
ભાવનગરઃ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
પ્રશ્નપત્રો ચોરાતા 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ સાતની પરીક્ષા સમગ્ર રાજ્યમાં રદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ જોષીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો શરૂ થયો છે. આ પ્રકારની ઘટના રાજ્ય માટે કલંક સમાન છે. ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના દુઃખદ છે.ભાવનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મિયાણીએ કહ્યું કે નેસવડ સ્કૂલમાંથી અસામાજિક તત્વોએ પ્રશ્નપત્રોની ચોરી કરી છે. અસામાજિક તત્વોનો બદઇરાદો હોય તેવું જાણવા મળી રહ્યુ છે.
ભાવનગર એસપીએ કહ્યું કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે વિભાગે તાત્કાલિક નિર્ણય લઇને તમામ જિલ્લાને વાકેફ કર્યા છે. પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના દુઃખદ છે.
ખાનગી શાળાના સંચાલકોએ CMને પત્ર લખી આટલા ટકા ફી વધારાની કરી માંગ
રાજ્યમાં ફરી ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકે છે. ખાનગી શાળાના સંચાલકોએ 5-5 હજાર ફી વધારવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ફી સ્લેબમાં 33 ટકાનો વધારો માંગ્યો છે. પ્રાથમિક શાળા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા, વિજ્ઞાન પ્રવાહની ઉ.માધ્યમિક શાળામાં 33 ટકાનો ફી વધારો કરવા શાળા સંચાલકોએ મુખ્યપ્રધાન સમક્ષ માંગ કરી છે.
કોરોનાકાળ બાદ હાલ સ્કૂલો ફરી ધમધમી રહી છે. કેટલાય સમયથી ફી વધારવાની માંગ કરતાં સંચાલકોને હવે ફાવતું જડ્યું છે. સામે વાલીઓને લાગે છે કે હવે કપરા દિવસો આવશે કારણ કે ખાનગી શાળાઓના ફી સ્લેબમાં વધારો કરવાની માગ તીવ્ર બની છે.
પ્રાથમિક શાળામાં ફી રૂ.15 હજારથી વધારીને રૂ.20 હજાર કરવા માગ કરવામાં આવી છે જ્યારે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.25 હજારને સ્થાને રૂ.30 હજારની માગ સીએમ સમક્ષ કરવામાં આવી છે. તો વિજ્ઞાન પ્રવાહની ઉ.માધ્યમિક શાળામાં રૂપિયા 30 હજારને બદલે રૂપિયા 36 હજારની માગ મૂકવામાં આવી છે.
મહત્વનું છે કે શાળા સંચાલક મહામંડળની કોર કમિટીમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં મહામંડળ સાથે જોડાયેલી શાળાના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જે બાદ ફી વધારો તેમજ સ્વનિર્ભર શાળાઓના કર્મીઓનો શૈક્ષણિક અનુભવ ગણતરીમાં લેવાની માંગ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ પર ફી નિયંત્રણ કરી શકાય તે ઉદ્દેશ સાથે ફી રેગ્યુલેશન એક્ટ લાવવામાં આવ્યો હતો અને તેના માટે ફી રેગ્યુલેશન કમિટીની રચના પણ કરવામા આવી હતી.પરંતુ 2017થી અમલમાં આવેલી FRC સતત ગોકળગતીએ ચાલી રહી છે.