રાહુલ ગાંધી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, ધારાસભ્યોથી લઈ કાર્યકરો સાથે કરશે મુલાકાત
64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તેને લઇને ગુજરાત કૉંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

અમદાવાદ: 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તેને લઇને ગુજરાત કૉંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ પહેલા રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધી 7-8 માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. રાહુલ ગાંધી આ બે દિવસના પ્રવાસ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે.
કૉંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
કૉંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલ આજે જ અમદાવાદ પહોંચ્યા હતા. કૉંગ્રેસના અધિવેશન પહેલા તેઓ અમદાવાદ આવ્યા હતા. રાષ્ટ્રીય અદિવેશનની તૈયારીઓને લઈ વેણુગોપાલ અમદાવાદ આવ્યા છે.
આ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ વખતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળશે. શક્તિસિંહ આ વાતની માહિતી આપતા જણાવ્યું કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આ વખતે અમદાવાદમાં આગામી 8 અને 9 એપ્રિલે મળશે. રાષ્ટ્રીય અધિવેશનને લઈને પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ખાસ વાત છે કે, આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતનાઓ અમદાવાદમાં આવશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી કોંગ્રેસના મોટા મોટા નેતાઓ અમદાવાદમાં હાજરી આપવા પહોંચશે. મહત્વનું છે કે, 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું બીજુ રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતુ, ત્યારે પછી 64 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળી મળી રહ્યું છે. વર્ષ 1961 બાદ હવે 2025 એપ્રિલમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળશે. અધિવેશનને લઇને શક્તિસિંહે જણાવ્યું કે, મહાત્મા ગાંધી મંદિર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળે તેવી માંગ કરી હતી.
કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
વર્ષ 1995 બાદ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ 100થી વધુ બેઠકો જીતતી રહી છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 બેઠકો પર અટકાવ્યો હતો. 2022માં ભાજપને 53 ટકા વોટ મળ્યા હતા અને 148 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. હવે કોંગ્રેસ ગુજરાતમાં પોતાના સારા દિવસો લાવવા માટે અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે.





















