મોટી આગાહીઃ આગામી એક કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે, આ 10 જિલ્લા થશે પાણી-પાણી
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદી માહોલ જામ્યો છે, ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ નથી પરંતુ કમોસમી વરસાદે અનેક જિલ્લામાં તબાહી મચાવી દીધી છે

Gujarat Rain: ગુજરાતમાં આજે પણ ઠેક ઠેકાણે છૂટોછવાયો તો ક્યાંક હળવાથી ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે આગામી એક કલાકમાં 10 જિલ્લામાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ ખાબકશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જેમાં પેટલાદમાં 2.7 ઇંચ, આણંદમાં 2.6 ઇંચ, ખંભાતમાં બે ઇંચ, તારાપુરમાં 1.5 ઇંચ, મહેમદાવાદમાં 1.3 ઇંચ, દહેગામમાં 1.3 ઇંચ, ચીખલીમાં 1.3 ઇંચ, વસોમાં 1.2 ઇંચ, સોજીત્રામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે પણ એક કલાકમાં વરસાદી માહોલ જામશે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદી માહોલ જામ્યો છે, ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ નથી પરંતુ કમોસમી વરસાદે અનેક જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. છેલ્લા બે દિવસથી વરસાદે સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બેટિંગ શરૂ કરી છે. આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે રાજ્યમાં આગામી એક કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગ અનુસાર, આગામી એક કલાકમાં 10 જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે, જેમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે. એટલે કે ગુજરાતવાસીઓએ ફક્ત હળવા વરસાદથી જ સંતોષ માનવો પડશે. ગુજરાતમાં 22થી 30 જૂન દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 2 જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, નવસારી, તાપી, સુરત, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, ખેડા, આણંદ, વડોદરા, દાદરા અને નગર હવેલી વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે, પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ હતી. આ ગરમ પવનોએ ચોમાસાની સિસ્ટમને અસર કરી, જેના પરિણામે તે સ્થિર થયું છે. જોકે, હવે ચોમાસાની ગતિ ફરીથી તેજ થવાની શક્યતા છે. તેમણે આગાહી કરી છે કે, 8થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન, મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જે ચોમાસાને ગુજરાત તરફ આગળ વધવા માટે માર્ગ મોકળો કરશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતની વાત કરીએ તો, 10 જૂનની આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ શકે છે, જે ખેડૂતો માટે ખેતીની તૈયારીઓ શરૂ કરવા માટે સંકેત આપશે. 12થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.





















