(Source: ECI/ABP News/ABP Majha)
Rain forecast: વર્લ્ડકપ અને નવરાત્રિની મજા બગાડી શકે છે વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Ambalal Patel: ક્રિકેટ રસિકો અને ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે
ક્રિકેટ રસિકો અને ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં વરસનારા વરસાદ અને વાવાઝોડાને લઇને અંબાબાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાબાલ પટેલની આગાહી અનુસાર વરસાદ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ અને નવરાત્રિની મજા બગાડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, વર્લ્ડકપની પ્રથમ મેચ અને નવરાત્રિની મજા વરસાદ બગાડી શકે છે. આગામી 10 થી 14 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે. નોંધનીય છે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ યોજાશે.
અંબાલાલના મતે 14 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહેવાની અને વરસાદ પડવાની શક્યતા છે. સાત તારીખે પશ્વિમી વિક્ષેપના કારણે વરસાદ થવાની પુરી શક્યતા છે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. નોંધનીય છે કે 15મી ઓકટોબરથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે.
તે સિવાય અંબાલાલ પટેલની આગાહી મુજબ 7થી 26 ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં 3 ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં 7મી તારીખ પછી ચક્રવાત ઉભુ થશે જે 10 થી 14માં ભારે ચક્રવાત બની શકે છે. બાદમાં બંગાળના ઉપસાગરમાં 17 થી 20માં બીજું ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 26મી ઓકટોબરે બંગાળના ઉપસાગરમાં ત્રીજું ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ઉદ્દભવનારા 3 ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
આજે નર્મદા ડેમની જળ સપાટી 138.06 મીટરે પહોંચી ચૂકી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 56,654 ક્યૂસેક જેટલી છે, જ્યારે પાણીની જાવક RBPHમાંથી 42,000 ક્યૂસેક થઈ રહી છે. નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. આ વખતે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે, સિઝનનો લગભગ 100 ટકા વરસાદ નોંધાયા છે, જેના કારણે નર્મદા ડેમના દરવાજા 17 દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા, અને હવે આજે નર્મદા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાતી વધુ વરસાદ પડ્યો છે, જેમાં 128 તાલુકામાં 100% વરસાદ પડ્યો અને 4 તાલુકા એવા છે જ્યાં 60%થી ઓછો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં વરસાદી પાણીએ પણ કેર વર્તાવ્યો છે, ક્યાંક પુર તો ક્યાંક ડેમો છલોછલ જોવા મળ્યો છે.