રાજ્યમાં આગામી ચાર દિવસ મનમૂકીને વરસશે મેઘરાજા, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદ ને પગલે એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં આજે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના પંથકમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગને અનુમાન છે.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદની ઘટ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારમાં 22 ટકા વરસાદની ઘટ છે.
રાજ્યમાં 20 એનડીઆરેફની ટીમ તૈનાત
ગુજરાતમાં વરસાદ ને પગલે એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માં 15 ટીમો કામગીરી કરી રહી છે. ગાંધીનગર અને વડોદરામાં 1-1 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સફળતાપૂર્વક સ્થળાંતર ની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાતની 15 ટીમો ઉપરાંત એનડીઆરએફની વધુ પાંચ ટીમો પંજાબ અને અન્ય વિસ્તારોમાંથી ગુજરાત આવી ચૂકી છે. જે પાંચ ટીમો ને રાજકોટ, પોરબંદર અને અન્ય વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી ને પગલે એનડીઆરએફ તમામ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હોવાની વિગતો એનડીઆરએફ ના ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારા આપવામાં આવી હતી.
કચ્છમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે પૂર્વ કચ્છના કેટલાક તાલુકામાં વરસ્યો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. પૂર્વના ગાંધીધામ, કંડલા, આદિપુર અને અંજારમાં વીજળીના કડાકા અને તોફાન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે ગાંધીધામ- કંડલા કોમ્પલેક્ષ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
સતત બે કલાક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં પૂર્વ કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ, ભચાઉમાં બે કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીધામ, આદિપુર અને કંડલામાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતાં. તો આ તરફ પશ્ચિમ કચ્છના ભુજ, માધાપર, ભુજોડી, માનકુવા, માંડવી સહિતના વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો હતો.