Gujarat Rain: 24 કલાક આ વિસ્તારો માટે ભારે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ
આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદ: આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. રવિવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે . કચ્છ, મોરબી અને જામનગર માટે એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આવતીકાલે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ ચેતવણી જાહેર કરી છે.
કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ રવિવારના દિવસે કચ્છ, મોરબી અને જામનગરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આવતીકાલે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ધોરાજીમાં વરસ્યો વરસાદ
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોરાજીના અવેડા ચોક, જેતપુર રોડ, સ્ટેશન રોડ, સરદાર ચોક, ગેલેક્સી ચોક, શાકમાર્કેટ રોડ, સોની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ધોરાજીના ભૂખી, તોરણીયા, ભુતવડ, પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. કપાસ મગફળી સોયાબીન એરંડા જેવા પાકોને લાભ થશે. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વરસાદ ધોરાજી પંથકમા ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.





















