Gujarat Rain: અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સુરત, તાપી, ડાંગ,નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સિવાય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
કાલે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
આવતી કાલે 10 જૂનના રોજ અમરેલી અને ભાવનગર જિલ્લા સિવાય ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે
ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેથી સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેમ પરેશ ગોસ્વામીએ કહ્યું છે.
આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યતા નહિવત છે. આગામી દિવસોમાં છૂટછવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડ ડાંગ નર્મદા તાપી ભરૂચ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી, સોમાનાથમાં હળવો વરસાદ થઇ શકે છે. વડોદરા, ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ, પોરબંદર, મોરબી રાજકોટ અને જામનગરામાં વરસાદની કોઇ આગાહી નથી.





















