Gujarat Rain: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસી શખે છે. ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે 31મી ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. . જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.





















