NAVSARI : ગણદેવીમાંથી વહેતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ, ભયજનક સપાટીથી 10 ફૂટ ઉપર, જુઓ Video
Rain in Gujarat : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી વહેતી કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
Navsari : દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. નવસારી જિલ્લામાં ભરે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને બે કાંઠે તેમજ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી વહેતી કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 10 ફુટ ઉપરથી વહી રહી છે, જેને પરિણામે આસપાસના ગામોમાં નદીના પાણી ઘુસી ગયા છે. ગોયન્ડી ગામના 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે અને NDRFની ટીમ સતત રેસ્ક્યુ કરી રહી છે, જુઓ કાવેરી નદીનો આ વિડીયો -
અંબિકા નદી પણ ભયજનક સપાટીએ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. અંબિકા નદીની સપાટી વધતા સોનવાડી, ગડત, દેસરા ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે બીલીમોરા શહેરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બીલીમોરા શહેરના શિપયાર્ડ, માછીવાડ, દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જ્યારે બીલીમોરા શહેરનું સ્મશાન પાણીમાં ગરકાવ થયું છે. નવસારીના બીલીમોરામાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. બીલીમોરાના ઘોલ ગામે અંબિકા નદીના પાણી ફરી વળ્યા જેના કારણે ઘોલ ગામ સંપર્કવિહોણું બન્યું છે. ઘોલ ગામમાં એટલું પાણી ભરાયું કે લોકોએ જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે હોડીનો સહારો લેવો પડ્યો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર,જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.