Rain: ભારે વરસાદથી મચ્છુ 3 ડેમ ફૂલ થતાં આ 20 ગામો પર ખતરો, કરાયા સાવચેત
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મોરબીમાં આવેલા મચ્છુ ૩ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, અને ડેમ 100 ટકા ફૂલ થઇ ગયો છે,
Rain: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સતત વરસાદી માહોલ જામ્યો છે, ઠેર ઠેર વરસાદે રૉડ-રસ્તાં અને નદી-નાળાં ફૂલ કરી દીધા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદના કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે મોરબીથી સમાચાર છે કે મચ્છુ ડેમની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. મચ્છુ ડેમ 3 ફૂલ થઇ ગયો છે.
માહિતી પ્રમાણે, ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મોરબીમાં આવેલા મચ્છુ ૩ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, અને ડેમ 100 ટકા ફૂલ થઇ ગયો છે, આ ડેમના અત્યારે ૨ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, ડેમના ૨ દરવાજા એકથી દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં આ મચ્છુ ૩ ડેમ પાણી ૧૦૦ ટકા ભરાયું છે, જેનાથી કેટલાય ગામોમાં ખતરો પણ ઉભો થયો છે. લોકો અને તંત્ર હાલમાં એલર્ટ મૉડમાં છે, અને ડેમ વિસ્તારના ૨૦ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે.
મચ્છુ 3 ડેમમાં પાણીની આવક 100 ટકા થતાં જ મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળિયા, સાદુલકા, માનસર, રવાપર, અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેધપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, ફતેપર, માળિયા, હરીપર સહિતના ગામોને સાવચેત કરી દેવાયા છે.
આ તારીખ સુધી રાજ્યમાં છોતરા કાંઢી નાંખશે વરસાદઃ અંબાલાલ પટેલ
હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે તેવી શક્યતા છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 8થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમા છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય પૂર્વ કચ્છમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા. પૂર્વ કચ્છના અંજારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અંજારમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી અંજાર અને જૂનાગઢ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.
Join Our Official Telegram Channel: