ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ
ગીર સોમનાથ જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જામતા કેરીના પાકને વ્યપાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જામતા કેરીના પાકને વ્યપાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ સાંજ થતા પલટો આવ્યો છે. ગીર સોમનાથના સાસણ ગીર તથા આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા કેરીના બગીચાઓમાં કેરીઓ ખરી પડી છે.
પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. એક તરફ આ વર્ષે શિયાળા દરમિયાન જ્યારે આંબમાં મોર (ફ્લાવરિંગ) આવવાની શરૂઆત હતી ત્યારે જ ઝાકળ પડવાથી ઘણા વિસ્તારોમાં મોર ખરી ગયા હતા અને તેના કારણે આ વર્ષે ઉત્પાદનમાં 15% જેવો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, સારી વાત એ છે કે કેરીની ક્વોલિટી ઘણી સારી છે. ઉત્પાદનમાં એક તો ઘટાડાની શક્યતા છે. બીજી તરફ જે પાક બચ્યો છે તે કમોસમી વરસાદના કારણે ફેઈલ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદના પગલે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.