ગુજરાતના આ જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, જાણો ક્યા જિલ્લાઓમાં ભારે વરસાદની કરાઇ છે આગાહી?
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ વરસ્યો હતો. શહેરના પાલ, અડાજણ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.
સુરતઃ લાંબા સમયના વિરામ બાદ સુરતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય વડોદરાના સાવલી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તે સિવાય બારડોલી પંથકમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ વરસ્યો હતો. શહેરના પાલ, અડાજણ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. તે સિવાય સુરત ગ્રામ્યના ઓલપાડ, કીમ, કોસંબા, માંગરોળ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોનો ઉભો પાક બચશે તેવી આશા સેવાઇ રહી છે.
બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો. વિજયનગરના મોજારીયા, ખેરાલ અને લીલપુર પંથકમાં ધીમીધારે વરસાદ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદના વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે સાવલી પંથકમાં વરસાદ વરસતા સૂકાતા પાકને જીવનદાન મળશે.
હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. તો મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત હજુ સારા વરસાદની સંભાવના નથી. અહીં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર હજુ રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ છે.
બીજી તરફ બનાસકાંઠા કે જ્યાં કાંકરેજના સવપુરા માઈનોર કેનાલમાં પાણી છોડાયું હતું. નર્મદાની કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ખેડૂતોએ સવપુરા માઈનોર કેનાલમાં પાણી આવતા જ નવા નીરના વધામણા કર્યા હતા. ગામના સરપંચ અને ધરતીપુત્રોએ નાળિયેર વધેર્યું હતું. કેનાલમાં પાણી છોડાતા હવે સવપુરા, ઉણ, રતનપુરા,ભલગામ, પૂનપુરા, તાંતીયાણા જેવા સાત ગામોના ખેડૂતોના પાકને જીવતદાન મળશે.