(Source: ECI/ABP News/ABP Majha)
આણંદના ખંભાતમાં રામનવમીની રેલી પર થયો પથ્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે
સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં ઠેર-ઠેર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આસ્થાના ઉત્સવ વચ્ચે રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બની છે.
સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં ઠેર-ઠેર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આસ્થાના ઉત્સવ વચ્ચે રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બની છે. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હવે ખંભાતમાં પણ છમકલુ થયું છે. રાજ્યમાં શાંતી ડહોળવાના પ્રયાસ થઈ રહ્યા છે. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ખંભાત પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.
ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો થતા તંગદિલી સર્જાઇ છે. ગંભીર ઘટનાને લઇને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ASP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં.
ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો થતા સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે. પોલીસે કડકાઈથી કામગીરી હાથ ધરી છે.આ બનાવની અસર જિલ્લામાં અન્ય શોભાયાત્રા ઉપર ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારીની સૂચના અને તાકીદ કરવામાં આવી છે.
હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં રોષનો માહોલ છે. ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. સ્થિતિને કાબુમાં લેવા પોલીસ દ્વારા ટીઅર ગેસ છોડાયા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રામનવમીને લઇને પોલીસ તંત્ર અલર્ટ મોડ પર છે. રાજ્યમાં કોઇપણ પ્રકારની અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. તેમ છતા હિંમતનગરમાં હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયત્રા નીકળતા અસામાજિક તત્વો વિફર્યા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના લઈને સમગ્ર રાજ્યમાં રોષનો માહોલ છે.