Rupala Controversy: ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ, રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ
Rupala Controversy: રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો
Rupala Controversy: રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહીં.
ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ભાજપના પ્રતિનિધીઓ અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.ભાજપ અને ક્ષત્રિય સમાજે અલગથી પત્રકાર પરિષદને સંબોધી હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે કોર કમિટિ સામે અમારી વાત મુકી છે. રૂપાલા ત્રણ- ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી હતી.
આ મામલે ક્ષત્રિય સમાજે કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવી જ પડશે. જો ટિકિટ રદ્દ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું હતું કે સંસ્કૃતિના મુદ્દે અમને હળવાશથી લેવાનો સરકારે પ્રયાસ કર્યો છે. ટિકિટ રદ્દ કરવા સિવાય કોઈ ચર્ચા કરવામાં આવી નથી. અમારા આગામી આયોજનો યથાવત જ રહેશે
કરણસિંહ ચાવડાએ કહ્યું હતુ કે ભાજપ સાથેની બેઠકમાં અમે સર્વાનુમતે રજૂઆત કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા સિવાય કોઇ સમાધાન નહીં. એક બાજુ ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે ત્યારે હાઇકમાંડને અમારી વાત પહોંચાડજો. હવે કોઇ બેઠક થશે નહીં. કોઈ રાજકીય પક્ષ અમારા પર દબાણ કરી શકશે નહીં. પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવશે. મહિલા આગેવાન તૃપ્તિ બા રાઓલે કહ્યું હતું કે રાજપૂતોની ઇતિહાસની કુરબાની ભૂલાઈ અને નિવેદનો અપાયા છે. આ સ્વાભિમાનનો સવાલ છે. પણ જો રૂપાલાની ટિકિટ રદ્દ નહિ થાય તો આખો રાજપૂત સમાજ માની લેશે કે ભાજપ રૂપાલા સાથે છે અને યોગ્ય જવાબ આપશે.
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.