માત્ર 19 દિવસમાં જ ઉકેલ્યો હતો 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો કેસ, જાણો કોણ છે અભય ચુડાસમા?
અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે

સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિવૃત થાય તે અગાઉ જ તેમણે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. ઉલ્લેખનીય છે કે, IPS અભય ચુડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા. તેઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા, તેઓ 1998 બેચના IPS અધિકારી છે.
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાં પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનું નેટવર્ક હતું. પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢતા હતા.
માત્ર 19 દિવસમાં જ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલ્યો
અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' તરીકે ઓળખાવા લાગ્યા હતા. અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા. ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી GPSCની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે DySp તરીકે પોસ્ટિંગ મેળવ્યું હતું. ચુડાસમા જે પણ કેસ હાથમાં લેતા તેમાં દિલ લગાવીને મહેનત કરતા હતા. તેમની આગવી સૂઝબૂઝ, ટેકનિકલ માસ્ટર માટે જાણીતા હતા. એમણે તપાસ કરી હોય તેવા સૌથી ચર્ચાસ્પદ અમદાવાદ બ્લાસ્ટના કેસની વાત કરીએ તો બાતમીદારોનું સારુ નેટવર્ક ધરાવતા અભય ચુડાસમાએ આ જ નેટવર્કની મદદથી આ કેસ ઉકેલ્યો હતો. 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા.
...જ્યારે સીબીઆઇએ કરી હતી ધરપકડ
ગુજરાતના બાહોશ અધિકારી ગણાતા અભય ચુડાસમાની સીબીઆઇએ એપ્રિલ 2010માં સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર મામલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે ચાર વર્ષ પછી 28 એપ્રિલ 2014ના રોજ મુંબઇ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જોકે સીબીઆઇની કોર્ટે અભય ચુડાસમાને સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર કેસમાં નિર્દોષ મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી યોગ્ય પુરાવા નથી. ઓગસ્ટ 2014માં ગુજરાત પોલીસે ચુડાસમાને ફરી નોકરી આપી દીધી હતી. જૂન 2015માં ગુજરાત સરકારે ચુડાસમાને નાયબ પોલીસ મહાનિરીક્ષકના હોદ્દા પર પ્રમોશન આપ્યું હતું.





















