આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે
એજન્સીએ આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકે છે.
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. સ્કાયમેટની આગાહી અનુસાર આ વર્ષે વરસાદના ચાર મહિના દરમિયાન 98 ટકા વરસાદ પડશે. સામાન્ય રીતે ભારતમાં જુન અને સપ્ટેમ્બર વચ્ચે 880.6 મિ.મી વરસાદ પડે છે.
એજન્સીએ આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે. રાજસ્થાન અને ગુજરાતની સાથે સાથે પૂર્વોત્તરના નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમગ્ર સીઝન દમિયાન ઓછો વરસાદ જોવા મળી શકે છે.
બીજી તરફ કેરળ, કર્ણાટકમાં પણ જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ઓછો વરસાદ વરસી શકે છે. આગાહી મુજબ દેશભરમાં વરસાદી મોસમનો પ્રથમ ભાગ, પછીના ભાગ કરતા સારો રહેશે. જુનમાં ચોમાસાની સારી શરૂઆત થવાની શક્યતા છે.
સ્કાયમેટે કરેલી જુનથી સપ્ટેમ્બર સુધી કરેલી વરસાદની આગાહી અનુસાર જુનમાં લોંગ પિરિયડ એવરેજની સામે 107 ટકા વરસાદ વરસી શકે છે. એટલે જે 70 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 10 ટકા ઓછો વરસાદ વરસી શકે છે. તો જુલાઈમાં લોંગ પિરિયડ એવરેજની સરખામણીએ 100 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર જુલાઈમાં 65 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 15 ટકા ઓછો વરસાદ વરસી શકે છે.
જ્યારે ઓગસ્ટમાં લોંગ પિરિયડ એવરેજની સરખામણીએ 95 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 60 ટકા સામાન્ય, 10 ટકા વધુ અને 30 ટકા ઓછો વરસાદ વરસી શકે છે.
સપ્ટેમ્બરમાં લોંગ પિરિયડ એવરેજની સરખામણીએ 90 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ સપ્ટેમ્બરમાં 20 ટકા સામાન્ય, દસ ટકા વધુઅને 70 ટકા ઓછો વરસાદ વરસી શકે છે.