વાવાઝોડાએ આ શહેરને ધમરોળ્યું: શહેરમાં તબાહીનો નજારો, ૧૦૦ થી વધુ વૃક્ષો અને ૫૦ વીજપોલ ધરાશાયી
શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદથી વ્યાપક નુકસાન; PGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ.

Surendranagar storm 2025: સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે મીની વાવાઝોડું ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું. આ વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થતાં વ્યાપક નુકસાન થયું હતું.
ગુરુવારે દિવસભરની અસહ્ય ગરમી બાદ સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા જેવો વરસાદ શરૂ થયો હતો. આ મીની વાવાઝોડાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ૧૦૦ થી વધુ નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના પરિણામે મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વીજ પુરવઠો ખોરવાયો, જનજીવન પ્રભાવિત
વૃક્ષો ઉપરાંત, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૫૦ થી વધુ વીજળીના થાંભલાઓ (વીજપોલ) પણ ધરાશાયી થયા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં પાંચ કલાક સુધી વીજળી બંધ રહી હતી. કલેક્ટર ઓફિસ વિસ્તાર, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને પોલીસ પરેડ ગ્રાઉન્ડની આજુબાજુના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.
તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી
વાવાઝોડા અને વરસાદ બાદ મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે જ રસ્તાઓ પરથી ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સવાર સુધીમાં તમામ રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખુલ્લા કરાવી દેવામાં આવ્યા હતા. પીજીવીસીએલ (PGVCL) દ્વારા પણ ધરાશાયી થયેલા વીજપોલને બદલીને નવા વીજપોલ ઊભા કરવા અને તૂટેલા વીજવાયરો જોડી વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
અન્ય વિસ્તારોમાં પણ અસર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા જેવા તાલુકાઓમાં પણ ગઈકાલે સારું એવું વાવાઝોડું આવ્યું હતું અને છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. ચોટીલાથી જસદણ તરફ જતા પાંચવળાથી મોકસર જતા રોડ પર ઝાડ પડી જતા વાહનચાલકો પરેશાન થયા હતા. જોકે, રાહદારીઓએ જાતે જ ઝાડ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી.
મોટો અકસ્માત ટળ્યો
જિલ્લા પોલીસવાળાની કચેરી પાસે વ્યાયામ શાળાની દીવાલ અને એક વૃક્ષ ધરાશાયી થયા હતા. આ વિસ્તારમાં વાવાઝોડા સમયે એક મોટરસાયકલ પર વૃક્ષ પડવાથી મોટરસાયકલ પર સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં વીજપોલો પણ તૂટી જતાં વીજ પુરવઠો ખોરવાયો હતો.





















