શોધખોળ કરો
રાજ્યમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો, 5.1 ડિગ્રી સાથે આ શહેર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
હવામાન વિભાગના મતે આગામી ચાર દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે છે.

ફાઈલ તસવીર
થોડા દિવસની રાહત બાદ છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાના પવનને લીધે રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 5.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તો આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના મતે આગામી ચાર દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો નલિયામાં 5.1 ડિગ્રી, ગાંધીનગરમાં નવ ડિગ્રી, વલસાડમાં 10.5 ડિગ્રી, અમરેલીમાં 11 ડિગ્રી, કંડલામાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 11.6 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી, કેશોદમાં 12 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, ભૂજમાં 12.2 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 12.6 ડિગ્રી, પોરબંદરમાં 13.1 ડિગ્રી, વડોદરામાં 13.4 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી અને સુરતમાં ઠંડીનો પારો 15.4 ડિગ્રી સુધી પહોંચ્યો છે. બીજી બાજુ જમ્મુ-કશ્મીર અને હિમાચલમાં સતત હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જમ્મુ-કશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ છે. જેને લીધે જમ્મુ-શ્રીનગર હાઈ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો ભારે હિમવર્ષાથી અનેક ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. પઠાણકોટમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. જમ્મુ-કશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. લગભગ 10 ઈંચ જેટલી હિમ વર્ષા થતા ટ્રાફિક અને વિમાની સેવાને અસર થઈ છે.
વધુ વાંચો





















