(Source: ECI/ABP News/ABP Majha)
Porbandar: પોરબંદરના દરિયામાં ખાડીના પાણીનો રંગ અચાનક ગુલાબી થયો, જાણો તજજ્ઞોએ શું કહ્યું ?
પોરબંદર દરિયા કિનારે આવેલું શહેર છે. અહીં સુભાષનગર વિસ્તારથી જુબેલી પૂલ સહિતના વિસ્તારમાં આવેલ ખાડીના પાણીનો રંગ એકાએક ગુલાબી થયો છે.
પોરબંદર: પોરબંદર દરિયા કિનારે આવેલું શહેર છે. અહીં સુભાષનગર વિસ્તારથી જુબેલી પૂલ સહિતના વિસ્તારમાં આવેલ ખાડીના પાણીનો રંગ એકાએક ગુલાબી થયો છે. જેના કારણે સમગ્ર ખાડી ગુલાબી રંગે રંગાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પૂછવામાં આવતા જાણવા મળ્યું છે કે પાણીનો રંગ બદલાય એની જાણકારી મળતા અલગ-અલગ સ્થળોએથી તેમના સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવ્યા છે. સુભાષનગર વિસ્તારથી કરલીના પુલ સુધી ખાડી વિસ્તાર આવેલો છે.
બે દિવસથી આ પાણીનો કલર ગુલાબી રંગનો થઈ ગયો છે
પોરબંદરના સુભાષનગર વિસ્તારથી કરલીના પુલ સુધી ખાડી વિસ્તાર આવેલો છે. જેમાં ખારા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે આ ખાડીની અંદર ચેરના વૃક્ષોનું જંગલ જોવા મળી રહ્યું છે. પરંતુ બે દિવસથી આ પાણીનો કલર ગુલાબી રંગનો થઈ ગયો છે આથી જુબેલી પુલ ઉપરથી જોતા સમગ્ર ખાડી ગુલાબી રંગે રંગાઈ હોય તેવું દ્રશ્ય જોવા મળે છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ શું આપ્યું નિવેદન
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પૂછતા જાણવા મળ્યું કે પાણીનો રંગ બદલાય એની જાણ થતાં જ અલગ-અલગ સ્થળોએથી તેમનું સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ રંગ બદલવાનું સાચું કારણ સામે આવશે. સંશોધનમાં સામે આવ્યું હતું કે ઉષ્ણ હવામાં ખારા પાણીમાં વધતી રેડ અલગી એટલે કે લાલ રંગની લીલને લીધે પણ આ પાણીનો રંગ ગુલાબી થયો હોવાની શક્યતા છે.
તજજ્ઞો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે
તજજ્ઞો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ખારા પાણીમાં લાલ રંગની ફૂગનું પ્રમાણ વધવાથી આ પાણીનો રંગ ગુલાબી થઇ શકે છે. વેટલેન્ડમાં દર વર્ષે આવતા હજારો ફ્લેમિંગો પક્ષી જે ઝૂપ્લાંકટોન થાય છે તે ઝૂપ્લાંકટોન આ લાલ રંગની ફૂગ ઉપર નભે છે જેથી ફ્લેમિંગોને પણ લાલ અને ગુલાબી રંગ મળે છે. ઝૂપ્લાંકટોન, નાના તરતા અથવા નબળા સ્વિમિંગ સજીવો કે જે પાણીના પ્રવાહો સાથે વહે છે અને ફાયટોપ્લાંકટોન સાથે, પ્લાન્કટોનિક ખોરાકનો પુરવઠો બનાવે છે. જેના પર લગભગ તમામ સમુદ્રી જીવો આખરે નિર્ભર હોય છે.