મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી રોકવા સરકાર સક્રિય, હવે 7 શહેરની 8 હોસ્પિટલમાં મળશે આ ઇન્જેક્શન
બ્લેક ફંગસના કેસમાં દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુકરમાઈકોસીસ માટે જરૂરી એમ્ફોટેરિસીન-B ઈંજેક્શનની અછત દૂર કરવા કેંદ્ર સરકાર સક્રિય બની છે.
કોરોના જેમ જેમ કાબુમાં આવી રહ્યો છે તેમ તેમ રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વધતા જતા મ્યુકરમાઈકોસિસના કેસને લઈને તેની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસીન-બી ઈંજેક્શનની માગ વધી છે. જેના કારણે કાળાબજારીયાઓ પણ સક્રિય થયા છે. જેને જોતા રાજ્ય સરકાર હવે ઈંજેક્શનના કાળાબજારને રોકવા માટે એક્શનમાં આવી છે અને હવે મ્યુકરમાઈકોસિસા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાંથી એમ્ફોટેરેસીન-બી ઈંજેક્શન સરળતાથી મળી રહે તેવી આરોગ્ય વિભાગે વ્યવસ્થા કરી છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં જ મ્યુકરમાઈકોસિસના કેસમાં વધતા સિવિલમાં આઠ ઓપરેશન થિયેટર શરૂ કરાયા છે. ત્યારે હવે એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન હવે અમદાવાદની એસવીપી અને સોલા સિવિલમાં મળશે. જ્યારે ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ, ભાવનગરની સર.ટી. હોસ્પિટલ, રાજકોટની પીડીયુ હોસ્પિટલ, જામનગરની જી.જી. હોસ્પિટલ. સુરતની સ્મીમેર હોસ્પિટલ અને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ઈંજેક્શનનું વિતરણ કરવામાં આવશે.
બ્લેક ફંગસના કેસમાં દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુકરમાઈકોસીસ માટે જરૂરી એમ્ફોટેરિસીન-B ઈંજેક્શનની અછત દૂર કરવા કેંદ્ર સરકાર સક્રિય બની છે. દર્દીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે 6 લાખ ઈંજેક્શન માટે દેશ અને દુનિયાની કંપનીઓને સરકારે ઓર્ડર આપ્યો છે અને મ્યુકરમાઈકોસીસના ઈંજેક્શન બનાવતી વધુ 5 કંપનીઓને એમ્ફોટેરિસીન-B બનાવવા માટે મંજૂરી આપી છે.
સાથે જે કોઈ પણ ફાર્મા કંપની એમ્ફોટેરિસીન-B ઈંજેક્શન બનાવવા માંગતી હશે તેને પણ સરકાર મંજુરી આપશે. મહત્વનું છે કે 10 દિવસમાં મ્યુકરમાઈકોસીસના કેસમાં 10 ગણો વધારો થયો છે. અગાઉ 500થી 600 કેસ નોંધાતા હતા જે વધીને 1 હજારે પહોંચ્યા છે. દર્દીઓને કોઈ પણ જાતની તફલીફ ન થાય તે માટે દેશ-વિદેશની કંપનીઓને ઓર્ડર આપ્યાની જાણકારી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આપી છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજ્ય સરકારોને મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની વિનંતી કરી હતી. નોટિફાયેબલ ડીસીઝ જાહેર કરવા જરૂરી નિર્ણય લેવા સુચના આપવામાં આવી છે. કેંદ્ર સરકારે તમામ રાજ્યો, સંઘ પ્રદેશોના આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો.