રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
ગોંડલ: રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજા અને ટ્રાવેલ્સ ચાલકનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

ગોંડલ: રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજા અને ટ્રાવેલ્સ ચાલકનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે વિગતે વાત કરીએ તો, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવા માટે રાજકોટની કોર્ટે મંજૂરી આપી છે, જે આ અત્યંત ચર્ચાસ્પદ કેસમાં નવો વળાંક છે. નોંધનિય છે કે, ગણેશ જાડેજાએ પોતે નાર્કો ટેસ્ટ માટે સહમતી આપ્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે.
શું છે સમગ્ર મામલો
આ કેસ અંગે વિગતે વાત કરીએ તો, 9 માર્ચના રોજ ગોંડલના યુવક રાજકુમાર જાટ (મૂળ રાજસ્થાનના) નો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પરથી મળી આવ્યો હતો. રાજકુમારના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમારને માર મારવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. રાજકુમાર ગુમ થયાની નોંધ 6 માર્ચે નોંધાઈ હતી.
જોકે, શરૂઆતમાં રાજકોટ પોલીસે 14 માર્ચે ખુલાસો કર્યો હતો કે રાજકુમારનું મોત મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસની અડફેટે આવવાથી અકસ્માતમાં થયું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાત્રે 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે અકસ્માત થયો હતો. પોલીસે 150થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા બાદ ડ્રાઇવર રમેશ મેરને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત ડ્રાઇવરે પણ કબૂલાત કરી હતી કે રાત્રિનો સમય હોવાથી ભૂલથી અકસ્માત થયો હતો. જો કે, ડ્રાઇવરે માલિકને અકસ્માત વિશે ખોટું (રોઝડું અથડાયું) કહ્યું હતું.
તો બીજી તરફ મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટ સતત આરોપ લગાવી રહ્યા છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા જાહેર કરાયેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરના CCTV ફૂટેજ અધૂરા અને એડિટ કરેલા હતા. રાજકુમારના શરીર પર 43 જેટલા ઇજાના નિશાન હતા, જે 'હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટ' થી થયા હતા. જોકે, ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં આ ઇજાઓ અકસ્માતને કારણે થઈ હોવાનું જણાવાયું હતું.
રતનલાલ જાટ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવી હતી. આ વિવાદને પગલે ઓક્ટોબરમાં હાઇકોર્ટે કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ અને DySP જે.ડી.પુરોહિતને સોંપી હતી.
હવે SP પ્રેમસુખ ડેલુની વિનંતી અને ગણેશ જાડેજાની સહમતી બાદ ગણેશ જાડેજા અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટે મંજૂરી આપી છે, જેનાથી આ કેસમાં સત્ય બહાર આવવાની આશા જાગી છે. તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.





















